ગ્વાટેમાલા સિટીઃ સેન્ટ્રલ અમેરિકાના ગ્વાટેમાલા સ્થિત પકાયા જ્વાળામુખી અને અહીં મળતા પિત્ઝા તેના અનોખા સ્વાદ માટે પ્રખ્યાત છે. તમને જાણીને નવાઇ લાગશે કે અહીં પિત્ઝા ઓવનમાં નહીં પરંતુ જ્વાળામુખીની કુદરતી ગરમીનો ઉપયોગ કરીને તૈયાર કરાય છે. આ અનોખી પહેલ 2019માં શેફ મારિયો ડેવિડ ગાર્સિયા માનસિલાએ શરૂ કરી હતી, જેને લોકો ડેવિડ ગાર્સિયા તરીકે ઓળખે છે. તેના આ અનોખા પિત્ઝા ‘પિત્ઝા પકાયા’ નામથી ઓળખાય છે. પિત્ઝા બનાવવા માટે પિત્ઝા ટ્રેને ગરમ ખડકો અથવા કુદરતી ગુફાઓની નજીક મૂકવામાં આવે છે. જ્વાળામુખીનું તાપમાન 800થી 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે, જેનાથી પિત્ઝા ફક્ત 10થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ગેસ કે વીજળીનો ઉપયોગ કરતો નથી, સંપૂર્ણપણે જિયોથર્મલ એનર્જી પર આધાર રખાય છે. 2010માં જ્વાળામુખી ફાટી નીકળ્યા પછી આ વિસ્તારમાં પ્રવાસીઓનો ટ્રાફિક વધવા લાગ્યો હતો, જેનો લાભ હવે શેફ મારિયો લઇ રહ્યા છે.


