ઘાયલ હોવા છતાં હનુમાન ચાલીસા કરતો રહ્યો અને ભગવાને સૌને બચાવ્યાઃ કેપ્ટન સ્મિત

Wednesday 07th October 2026 06:24 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફ્લાયદુબઈના ગુજરાતી પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી અને તેમના ખબરઅંતર પૂછયા હતા. આ સમયે કેપ્ટન સ્મિત મચ્છરે વડાપ્રધાનને કોકપીટમાં કો-પાઈલટના હુમલા અંગે વિગતે વાત કરી હતી.
કેપ્ટન સ્મિતે કહ્યું, કો-પાઈલટના હુમલા પછી મારો જીવ જોખમમાં હતો, પરંતુ હું પ્રવાસીઓને મરવા દેવા માગતો નહોતો. એટલે મેં હિંમત કરી અને કોકપીટનો દરવાજો ખોલી નાંખ્યો. આ પછી પ્રવાસીઓ અંદર દોડી આવ્યા અને હુમલાખોરને કાબુમાં લીધો હતો.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ0173ના ઈજાગ્રસ્ત પાઈલટ સ્મિત મચ્છરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કો-પાઈલટે હુમલો કર્યા પછી થયેલી આઘાતજનક ઘટનાનું વર્ણન કર્યું હતું.
કેપ્ટન સ્મિતે કહ્યું કે, કોકપીટમાં હું ઘાયલ હાલતમાં પડયો હતો. હું મરણતોલ હાલતમાં હતો, પરંતુ હું પ્રવાસીઓને મરવા દેવા માગતો નહોતો. આ ખૂબ જ નાજૂક ક્ષણ હતી. તે સમયે હું કશું કરી શકું તેવી સ્થિતિમાં નહોતો. જોકે મને એ વાતનો ખ્યાલ આવતો હતો કે અમારું વિમાન નીચેની તરફ જઈ રહ્યું છે. મારા પર અનેક વખત હુમલો થયો હતો અને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમયે મને વિચાર આવ્યો હતો કે જો હું ઊભો નહીં થઈ શકું તો વિમાનના બધા જ પ્રવાસીઓ માર્યા જઈ શકે છે.
તેમણે ઉમેર્યું કે, હું 17 વર્ષથી વિમાન ઉડાવું છું. હું 11 વર્ષથી કેપ્ટન છું તેથી મારી આંખો બંધ હોવા છતાં હું જાણતો હતો કે વિમાનમાં શું થઈ રહ્યું છે. હું નીચે પડેલો હતો ત્યારે મને ખ્યાલ આવી ગયો હતો કે હું થોડીક હિંમત કરીશ તો કોકપીટનો દરવાજો ખોલી શકીશ. મને માર પડી રહ્યો હતો ત્યારે પણ મને એ જ વિચાર આવ્યો હતો કે મારે બસ દરવાજો ખોલવાનો છે. મેં હિંમત કરી ઊભા થઈ દરવાજો ખોલી નાંખ્યો. ત્યાર પછી બધા પ્રવાસી અંદર આવી ગયા અને કો-પાઈલટને કાબુમાં લીધો. બધાએ સમાન રીતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વડાપ્રધાન મોદીએ હાલમાં યુએઈના અબુધાબીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિત મચ્છરે દર્શાવેલી સૂઝબૂઝ અને હિંમતની પ્રશંસા કરી હતી. તમે ગણતરીની સેકન્ડમાં નિર્ણય લઈ સેંકડો પ્રવાસીઓના જીવ બચાવ્યા. તમારો જીવ જોખમમાં હતો તો પણ તમે પોતાની પીડાની અવગણના કરીને લડયા તથા પ્રવાસીની સુરક્ષાની ચિંતા કરી. તમે 140 કરોડ ભારતીયોનું ગૌરવ વધાર્યું છે. તમે બતાવ્યું છે કે ભારતીયો કોઈના જીવ નથી લેતા, બચાવે છે.
કેપ્ટન સ્મિતે કહ્યું કે, કો-પાઈલટના હુમલા પછી કોકપીટમાં તે લોહીથી લથબથ હાલતમાં હતો ત્યારે હનુમાન ચાલિસા ગણગણતો હતો. ભગવાને જ મને અને અન્ય પ્રવાસીઓને બચાવી લીધા છે. હું દરરોજ સવારે હનુમાન ચાલીસાનું પઠન કરું છું ત્યારે મારા બે વર્ષના સંતાનને હું તે શીખવાડું છું. અમે દેશથી દૂર હોવા છતાં પણ અમે આપણી સંસ્કૃતિથી દૂર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter