ચાંગી એરપોર્ટઃ સતત આઠમા વર્ષે વિશ્વનું નંબર-વન એરપોર્ટ

Wednesday 03rd March 2021 04:18 EST
 
 

સિંગાપોરનું ચાંગી એરપોર્ટ જગતના સૌથી વ્યસ્ત અને મહત્ત્વપૂર્ણ એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. સાથે સાથે એ જગતનું સર્વોત્તમ એરપોર્ટ પણ છે. વર્ષ ૨૦૨૦ માટેનો જગતના બેસ્ટ એરપોર્ટ તરીકેનો સ્કાયટ્રેક્સ એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડ ચાંગીને સતત આઠમા વર્ષે મળ્યો છે એટલે કે આઠ વર્ષથી એ જગતનું પ્રથમ ક્રમનું એરપોર્ટ છે. સિંગાપોર એ એક શહેરમાં જ ફેલાયેલો દેશ છે, વિસ્તાર મર્યાદિત છે. તેનું એરપોર્ટ દેશનો મહત્ત્વનો હિસ્સો છે કેમ કે એશિયા-મીડલ ઈસ્ટથી પશ્ચિમ કે પૂર્વ જતાં વિમાનો અચૂક ત્યાં રોકાણ કરતા હોય છે.
લાખો પ્રવાસીઓ ચાંગીમાં પોતાની ફ્લાઇટ બદલે છે. એ વખતે પ્રવાસીઓએ કેટલાક કલાક ચાંગી પર વિતાવવાના થાય છે.
૨૦૧૯માં અહીંથી ૬.૮૩ કરોડ પ્રવાસીઓની આવન-જાવન નોંધઈ હતી. પ્રવાસીઓને કોઈ નવી દુનિયામાં આવી ગયાનો અહેસાસ થાય એવી મનોરંજન, શોપિંગ વ્યવસ્થા એરપોર્ટમાં કરવામાં આવી છે. અહીં વિવિધ દેશોની ૭૦ એરલાઈન્સની દૈનિક આવન-જાવન રહે છે, અહીંથી ફ્લાઈટ બદલનારા પ્રવાસીએ જો ૫.૫ કલાક કે તેનાથી વધારે સમય એરપોર્ટ પર પસાર કરવાનો હોય તો એ એરપોર્ટ દ્વારા યોજાતી ૨.૫ કલાકની ફ્રી સિંગાપોર ટૂરમાં જોડાઈ શકે છે. અલબત્ત, કોરોનાકાળમાં આવી ટૂર અટકાવી દેવાઈ છે, જે ફરી શરૂ થશે.
એરપોર્ટ પર અચાનક રોકાવવાનું થાય કે આરામ કરવાનો થાય તો લોન્જ જેવી સુવિધા તો છે, પણ કોઈને હોટલમાં રહેવું હોય તો બે હોટેલ એવી પણ છે, જે દિવસ અને કલાકના હિસાબે રૂમ આપે છે. ૧.૨૫ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતા એરપોર્ટમાં શોપિંગ માટે ૨૭૫ દુકાનો છે.
અહીં જગતનો સૌથી મોટો, ૧૩૦ ફૂટ ઊંચેથી પડતો ઇન્ડોર વોટરફોલ આવેલો છે, જગતનો પ્રથમ એરપોર્ટ બટરફ્લાય પાર્ક છે, એકથી વધારે ગાર્ડન છે, તો વળી ડાયનાસોર પાર્ક પણ છે. એવા તો અનેક આકર્ષણો આ એરપોર્ટને નંબર બન બનાવી રાખે છે.

જગતના ટોપ-૧૦ એરપોર્ટ

૧. ચાંગી (સિંગાપોર)
૨. હાનેડા (ટોકિયો, જાપાન)
૩. હમાદ (દોહા, કતાર)
૪. ઈન્ચોન (સિઉલ, સાઉથ કોરિયા)
૫. મ્યુનિચ (જર્મની)
૬. હોંગ કોંગ (હોંગ કોંગ)
૭. નારિતા (ટોકિયો, જાપાન)
૮. નગોયા (જાપાન)
૯. શિફોલ (એમ્સટર્ડેમ, નેધરલેન્ડ)
૧૦. કેન્સાઈ (જાપાન)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter