નવી દિલ્હીઃ કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રુડોએ ચાર મહિના બાદ ભારત મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી છે. ભારત મુલાકાત પર તેમણે મજાક ઉડાવતાં કહ્યું હતું કે, હવે ક્યાંય નથી જવું. જોકે ટ્રુડોની ભારત મુલાકાત વખતે તેમને ખાસ કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું ન હતું. ઓટાવામાં પ્રેસ ગેલેરીમાં આયોજિત એક કાર્યક્રમમાં ટ્રુડોએ ભારતની મુલાકાત અંગે ૧૫ મિનિટ સુધી ભાષણ આપ્યું હતું.
તેઓ સ્ટેજ પર આવ્યા ત્યારે ‘જય હો’ ગીત પ્લે થયું અને ટ્રુડોએ નમસ્તે કહીને સૌનું અભિવાદન કર્યું હતું. તે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી કે અન્ય કોઈ કેન્દ્રીય પ્રધાનને બદલે કૃષિ રાજ્ય પ્રધાન ગજેન્દ્ર શેખાવતે કરેલી આગેવાની પર મજાક ઉડાવી હતી. ટ્રુડોને આવકારવા માટે પ્રધાન ગજેન્દ્ર શેખાવત એરપોર્ટ પર આવ્યા તે સ્લાઇડ અંગે ટ્રુડોએ કટાક્ષ કર્યો હતો. તેથી લોકો હસી પડયાં હતાં.
સ્લાઇડ શોમાં તેમની તસવીર શાહરુખ ખાન સાથે જોવા મળી હતી. આ ઉપરાંત ભારતયાત્રા દરમિયાન તેઓ ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય મીડિયામાં નોંધ લેવાઈ હતી, પરંતુ કેટલાંક લોકોએ ટીખળ કરી હતી. જ્યારે તેઓ કિંગ ખાનને મળ્યા ત્યારે ખાન બ્લેક કલરના સૂટમાં હતા જ્યારે ટ્રુડોએ ગોલ્ડન રંગની શેરવાની પહેરી હતી. આ મામલે ટ્રુડોએ કહ્યું કે. અમારામાંથી કોઈએ યોગ્ય ડ્રેસ પહેર્યો ન હતો.
પોતાનાં ભાષણના અંતમાં ટ્રુડોએ કહ્યું કે, ભારત મુલાકાત એ મારી તમામ મુલાકાતના અંતની શરૂઆત છે. મેં મારી ટીમને કહી દીધું છે કે, હવે હું ક્યાંય જવાનો નથી. આ ભાષણના અંતે તેમણે ‘ફિન’ શબ્દપ્રયોગ કર્યો હતો. જેનો અર્થ અંત થાય છે. દિલ્હી ઉપરાંત, ટ્રુડો પરિવારે આગરા, અમૃતસરની પણ મુલાકાત લીધી હતી, જોકે આ મુલાકાત આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં ચાર્ચાનું કેન્દ્ર બની રહી હતી.