ચીન પ્રવાસની સાથે સાથે...

Wednesday 20th May 2015 06:08 EDT
 

‘ગુજરાત જેવો ચમત્કાર...’
મોદી અને જિનપિંગ વચ્ચેની શિખર મંત્રણા બાદ એસ. જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે વડા પ્રધાન મોદીને પૂછયું હતું કે, તેમનાં નેતૃત્વમાં ગુજરાતમાં (વિકાસનો) ચમત્કાર કેવી રીતે થયો અને હવે તેઓ રાષ્ટ્રીયસ્તરે આ ચમત્કારનું પુનરાવર્તન કેવી રીતે કરી રહ્યા છે?

‘ચીને વલણ બદલવુ પડશે’
મોદીએ જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવા માટે ચીને કેટલાક મુદ્દાઓ પર વલણ બદલવું પડશે. બન્ને દેશો વચ્ચેની ૪,૦૫૭ કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણરેખા (એલએસી) પર સ્પષ્ટતા ઘણી મહત્ત્વની છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મદદ
દિલ્હી-ચેન્નઈ ડાયમંડ ક્વાડ્રિલેટરલ કોરિડોર પ્રોજેક્ટ રિપોર્ટ અંતર્ગત ચીન ભારતને દિલ્હી-નાગપુર કોરિડોર પર ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનો દોડાવવાના ફિઝિબિલિટી રિપોર્ટમાં મદદ કરશે.
માત્ર શાકાહારી વ્યંજન
જિનપિંગે શિયાનમાં વડા પ્રધાન મોદીના માનમાં યોજેલા શાહી ભોજન સમારંભમાં ફક્ત શાકાહારી વાનગીઓ પિરસાઈ હતી. ડિનરમાં સૂપ, વિવિધ શાક, પેનકેક, રેડબીન રાઇસ, મશરૂમ સાથે બીનકર્ડ, બીનના સોસમાં વોટર ચેસ્ટનટ, શતાવરીનું શાક, કમળકાકડી, નૂડલ્સ, ડપ્લિંગ્સ, ફળો અને શરબત પીરસાયા હતા.
યોગ થકી રોગ-ભોગથી મુક્તિ
મોદીએ ૬૬૭ એકરમાં પથરાયેલા તાઓ ધર્મનાં ટેમ્પલ ઓફ હેવન ખાતે યોગ અને તાઇ ચીનો અભ્યાસ નિહાળ્યો હતો. તાઇ ચી ચાઇનીઝ માર્શલ આર્ટનું એક સ્વરૂપ છે. અહીં વડા પ્રધાને બાળકો સાથે સેલ્ફી ખેંચાવી હતી. મોદીએ બાળકોને જણાવ્યું હતું કે યોગ રોગ અને ભોગથી મુક્તિ અપાવે છે.
એક વર્ષમાં ત્રણ મુલાકાત
ભારત અને પડોશી દેશ ચીન વચ્ચેના સંબંધો ભલે વર્ષોથી સંવેદનશીલ રહ્યા હોય, પરંતુ હવે તેમાં બદલાવ આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ વચ્ચે એક જ વર્ષમાં આ ત્રીજી મુલાકાત છે. ચીનમાં પણ સરકારી તંત્ર ઉપરાંત આમ પ્રજામાં મોદીની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે.
અલબત્ત, આ પૂર્વે પણ ભારત અને ચીનના સત્તાધીશો મળતા હતા અને મંત્રણાઓ કરતા હતા, પરંતુ એશિયાના આ બે શકિતશાળી દેશોના વડાઓ એક જ વર્ષમાં ત્રણ વાર મળ્યા હોય એવું પહેલી વખત બન્યું છે. જવાહરલાલ નેહરુએ ઓકટોબર ૧૯૫૪માં ચીનની મુલાકાત લીધી ત્યારે જે ઉત્સાહસભર માહોલ ઉભો થયો હતો તેવો માહોલ મોદીના ચીન પ્રવાસમાં જોવા મળ્યો હતો. ઉદાર મતવાદી છતાં ભારે મુત્સદી મનાતા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને મોદી વચ્ચે પહેલી મુલાકાત જૂન ૨૦૧૪માં બ્રાઝિલ ખાતે યોજાયેલા ‘બ્રિકસ’ સંમેલન દરમિયાન થઇ હતી. મે ૨૦૧૪માં સત્તાના સૂત્રો સંભાળ્યા પછી મોદી પહેલી વાર કોઇ મોટા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લઇ રહ્યા હતા ત્યારે પ્રથમ મુલાકાત થઇ હતી. આ પછી જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. મોદીએ અમદાવાદમાં જિનપિંગનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અને હવે મોદી ચીન પહોંચ્યા છે.
ભારતનો વિવાદિત નકશો
વડા પ્રધાન મોદીની હાજરીમાં જ ચીનની સીસીટીવી નામની ચેનલે ભારતનો કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ વગરનો નકશો દર્શાવીને વિવાદ સર્જ્યો હતો. મોદીની મુલાકાત વખતે જ ચીને આ ગતકડું કરતાં ભારતમાં નારજગી ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, મોદી આ જ ચેનલે ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter