નવી દિલ્હીઃ ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાં પ્રમાણે દેશમાં એક દિવસમાં 2075 નવા કેસ નોંધાયા હતા. 71નાં મોત થયા હતા. એક્ટિવ કેસોની સંખ્યા 27802 છે.
ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાતો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 50થી વધુ મ્યુટેશન્સ આવી ચૂક્યા છે. તેનાથી જગતમાં હાહાકાર મચી ગયો છે. નવેમ્બર-2021માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. તે ઝડપભેર ફેલાતો હોવાથી અનેક દેશોમાં કોરોનાના કેસ વધ્યા હતા.


