ચીન વડા શી જિનપિંગનો યુએસ પ્રવાસઃ બે બાહુબલિની મુલાકાત પર સહુની નજર

Thursday 24th September 2026 12:06 EDT
 
 

વોશિંગ્ટનઃ એક સમયે ચીનને અમેરિકા માટે સૌથી મોટો ખતરો ગણાવી ભારે ટેરિફથી દબાણ લાવવાનો પ્રયાસ કરનારા પ્રેસિડેન્ટ ટ્રમ્પ હવે ચીનના વડા શી જિનપિંગના સ્વાગત માટે લાલ જાજમ બિછાવી રહ્યા છે. ટેરિફની નીતિથી ધાર્યું પરિણામ ન મળતા, ચીનની વધતી આર્થિક-ટેક્નોલોજીકલ તાકાત અને રેર અર્થ મિનરલ્સ પર તેના વર્ચસ્વને કારણે ટ્રમ્પ હવે ટકરાવ કરતાં સંવાદ અને વ્યક્તિગત સંબંધોને પ્રાધાન્ય આપવા માટે મજબૂર બન્યાં છે.
ચીનના પ્રેસિડન્ટની બુધવાર - 23 સપ્ટેમ્બરથી અમેરિકા યાત્રા પહેલા ટ્રમ્પે અભિગમ બદલ્યો છે. ટ્રમ્પ જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે જિનગિંપનું વ્યક્તિગત રીતે સ્વાગત કરવા એરપોર્ટ જશે. અમેરિકાના પ્રેસિડન્ટ એરપોર્ટ જઈને કોઈ વિદેશી નેતાનું સ્વાગત કરે તે એક દુર્લભ બાબત છે. ગુરુવારે જિનપિંગના સન્માનમાં હાઈ પ્રોફાઈલ સ્ટેટ ડિનરનું પણ આયોજન કરાયું છે.
પ્રથમ ટર્મ અને બીજી ટર્મની શરૂઆતમાં પણ પ્રેસિડન્ટ ટ્રમ્પ હંમેશા ચીનની આકરી ટીકા કરતા રહ્યાં છે. જોકે હવે જિનપિંગના વખાણ કરતા થાકતા નથી. ટ્રમ્પે આ મહિને કહ્યું હતું કે તેઓ એક મહાન સજ્જન છે. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે. અમારા વેપારી સંબંધો પણ ખૂબ સારા છે. તેઓ હરીફ છે અને એ બધું ખરું, પરંતુ પ્રેસિડન્ટ શી સાથે અમારા સંબંધો ખૂબ સારા છે.
એક પછી એક મુદ્દે ટ્રમ્પ હવે જિનપિંગને માફ કરી રહ્યાં છે. ચીને ઈરાનને સેટેલાઈટ તસવીરો પૂરી પાડી હોવાના અહેવાલો અંગે ટ્રમ્પે કહ્યું હતું હતું કે મને લાગે છે કે તેમણે યોગ્ય વર્તન કર્યું મને લાગે છે કે ચીન આજે કદાચ એ સમય કરતાં થોડું અલગ છે.
ટ્રમ્પનો આ બદલાયેલો અભિગમ એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક નેતૃત્વ માટે અમેરિકા અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે અને અમેરિકાના કેટલાંક પરંપરાગત સાથી દેશો પણ પોતાની વ્યૂહરચના અંગે પુનર્વિચાર કરી રહ્યા છે. ચીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા ઇલેક્ટ્રિક વાહનો જેવી નવી ટેક્નોલોજીમાં પણ ઝડપથી આગળ વધ્યું છે.

ચીનને દબાવવામાં નિષ્ફળ રહ્યાં પછી ટ્રમ્પે હવે આતિથ્યનો માર્ગ અપનાવ્યો છે. જિનપિંગના આગમન પહેલાં ટ્રમ્પે વ્હાઈટ હાઉસની સાઉથ લોન પર હેલિપેડ તૈયાર કરાવ્યું છે. તેમણે એવી પણ ફરિયાદ કરી છે કે ચીનના નેતાની યજમાની કરવા માટેનો વ્હાઈટ હાઉસનો બોલરૂમ હજુ તૈયાર થયો નથી.
ટ્રમ્પના બદલાયેલા મિજાજનું મુખ્ય કારણ તેમની આક્રમક ટેરિફ નીતિનો દાવ ઉલટો પડયો છે. ઈલેક્ટ્રોનિક્સમાં ઉપયોગમાં લેવાતા રેર અર્થ મિનરલ્સ પર ચીનનું લગભગ વર્ચસ્વ છે અને ચીને તેનો ઉપયોગ ટ્રમ્પ સાથે વેપાર ક્ષેત્રે કામચલાઉ સમજૂતી કરવા માટે દબાણ ઊભું કરવામાં કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter