ચીનની આડોડાઇ, ફ્રાન્સની સક્રિયતાઃ આતંકી મસૂદ પર આર્થિક પ્રતિબંધ

Saturday 16th March 2019 07:23 EDT
 
 

પેરિસઃ પાકિસ્તાનની કઠપૂતળી જેવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને સમર્થન નહીં આપી ચીને ભલે હવનમાં હાડકાં નાંખ્યા, પરંતુ ફ્રાન્સે આર્થિક પ્રતિબંધો લાદીને મસૂદને મુશ્કેલીમાં મૂકી દીધો છે. ફ્રાન્સ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની પોતાને ત્યાંની તમામ સંપત્તિઓ જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. આતંકવાદ વિરુદ્ધ ભારતે છેડેલા જંગના સમર્થનમાં ફ્રાન્સે ૧૫ માર્ચે મસૂદની ફ્રાન્સ ખાતેની બધી જ સ્થાવર-જંગમ સંપત્તિઓ જપ્ત કરવા સહિતના આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છુપાયેલા મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો યુએન સિક્યુરિટી કાઉન્સીલ (યુએનએસસી)નો પ્રસ્તાવ તાજેતરમાં ચીને ચોથી વાર અટકાવ્યો છે. બીજી તરફ, ફ્રાન્સે મસૂદનું નામ યુરોપિયન યુનિયન (ઇયુ)ની આતંકીઓની યાદીમાં સામેલ થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
ફ્રાન્સે સ્પષ્ટ કર્યું છે કે તે જૈશ-એ-મોહમ્મદને એક-એક પૈસા માટે મજબૂર બનાવી દેશે. યુએનએસસીની બેઠકમાં ચીને વીટો વાપરીને મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ ફગાવી દેતા ફ્રાન્સ ભારે અકળાયું છે. ફ્રાન્સ અત્યાર સુધીમાં અનેક વખત ત્રાસવાદી હુમલાનો ભોગ બની ચૂક્યું છે. આથી આ વખતે પણ ફ્રાન્સે જ મસૂદને આતંકી જાહેર કરવા માટે અગ્રણી ભૂમિકા ભજવી હતી. આ પ્રસ્તાવને અમેરિકા અને બ્રિટને પણ સમર્થન જાહેર કર્યું હતું. જોકે ચીને વીટો વાપરતાં ફ્રાન્સની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

પાકિસ્તાનની બેશરમી

દરમિયાન, પાકિસ્તાને જાહેર કર્યું છે કે પુલવામા હુમલામાં મસૂદની સંડોવણીના નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી મસૂદની ધરપકડ કરાશે નહીં. પાકિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો છે કે પુલવામા હુમલા સંદર્ભે ભારતે સોંપેલા ડોઝિયરની ગૃહ મંત્રાલયની વિવિધ એજન્સીઓ સાથે ગહન સમીક્ષા કરાઈ છે, અને તેમાં મસૂદ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા નથી. સૂત્રોના કહેવા મુજબ ડોઝિયરમાં મસૂદ ઉપરાંત તેના પુત્ર હામિદ અઝહર અને ભાઈ અબ્દુલ રઉફ સહિત ૨૨ આતંકીની સંડોવણી હોવાનું જણાવાયું છે.

યુએનમાં ચીનની ખંધાઇ

જૈશ-એ-મોહમ્મદના સૂત્રધાર મસૂદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા યુએનએસસીમાં રજૂ થયેલો પ્રસ્તાવ ચીને ટેક્નિકલ વાંધો લઈને અટકાવ્યો હતો. પુલવામા હુમલાના ગુનેગાર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા ભારત, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારતે યુએનમાં અઝહરની સામે કેટલાક મજબૂત પુરાવાઓ પણ રજૂ કર્યા હતાં. જોકે આટલા પુરાવાઓથી સંતોષ ન થતા ચીને મસૂદ સામે વધારે પુરાવાની માગ કરી હતી. ચીન એવી પણ જીદ કરી હતી કે ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહરને પરસ્પર કોઈ સંબંધ નથી. ભૂતકાળમાં પણ મસૂદ વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા મળ્યા.

ચીન નહીં સુધરે તો...

મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસને ચીને ચોથી વાર નિષ્ફળ બનાવતા યુએનએસસીના સભ્યોએ ચેતવણી આપી છે કે જો ચીન તેની આ નીતિ ચાલુ રાખશે તો સિક્યુરિટી કાઉન્સિલને અન્ય પગલાં લેવાની ફરજ પડશે. ચીનને અસામાન્ય આકરી ચેતવણી આપતાં એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે, જો ચીન મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ સર્જતો રહેશે તો જવાબદાર સભ્ય દેશોને સુરક્ષા પરિષદ ખાતે અન્ય પગલાં લેવાની ફરજ પડશે. ચીને સભ્ય દેશોને આમ કરવાની ફરજ પાડવી જોઈએ નહીં. આ રાજદ્વારીએ અન્ય સભ્ય દેશોની લાગણી પણ વ્યક્ત કરી હતી.

ચીનના વલણથી નિરાશાઃ ભારત

ભારત સરકારે જણાવ્યું હતું કે, એક દેશના કારણે આવેલા પરિણામ નિરાશ કરનારા છે પરંતુ મસૂદ અઝહર સામેનું ભારતનું અભિયાન જારી રહેશે. અમે નિરાશ છીએ, પરંતુ અમે અમારી પાસે રહેલા તમામ વિકલ્પો પર કામ કરતાં રહીશું જેથી ભારતીય નાગરિકો પર હુમલામાં સામેલ આતંકવાદીઓનો ન્યાય તોળી શકાય. બીજી તરફ, મગરના આંસુ સારતા ચીને જણાવ્યું હતું કે, મામલાનો વધુ ગંભીરતાથી અભ્યાસ કરવા માટે મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પરનો ટેક્નિકલ હોલ્ડ જરૂરી હતો. પરંતુ ચીન ભારત સાથે સારા સંબંધો માટે અત્યંત ગંભીર છે.

યુએન યાદીમાં ૧૩૯ આતંકી

હાલ યુએનના પ્રતિબંધિત આતંકવાદીઓના લિસ્ટમાં માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમ સહિત ૧૩૯ આતંકીઓ સામેલ છે. યુએન દર વર્ષે આંતકીનું લિસ્ટ બહાર પાડે છે. ૨૦૧૮ના લિસ્ટમાં દાઉદ ઇબ્રાહિમનો સમાવેશ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter