ચીનની એવરગ્રાન્ડે નાદારીના આરેઃ હવે વ્યાજ ચૂકવવામાં પણ નિષ્ફળ

Friday 01st October 2021 05:19 EDT
 
 

નવી દિલ્હી: આશરે ૩૦૫ બિલિયન યુએસ ડોલરનું જંગી દેવું ધરાવતી ચીનની મહાકાય રીઅલ એસ્ટેટ કંપની નાણાંભીડના પગલે ૮૩.૫ મિલિયન ડોલરનું બોન્ડ ઇન્ટરેસ્ટ ચૂકવવાની ડેડલાઇન ચૂકી જતાં કંપની પર નાદારીનું સંકટ મંડરાવા લાગ્યું છે. જો ચીનની આ મહાકાય રીઅલ એસ્ટેટ કંપની નાદારી નોંધાવશે તો સમગ્ર વિશ્વ મંદીના ભરડામાં ધકેલાઇ જવાનો ખતરો સર્જાયો છે. એવરગ્રાન્ડે ૨૪ સપ્ટેમ્બરે વ્યાજ ચૂકવવાની ડેડલાઇન ચૂકી જતાં રોકાણકારો અને બજારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રોકાણકારોને ભય છે કે જો આ કંપની ભાંગી પડશે તો ચીનની ફાઇનાન્સિયલ સિસ્ટમ પર ગંભીર જોખમ સર્જાશે અને તેના પરિણામ સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં જોવા મળશે. કંપનીની સ્થિતિ અંગે જાણકાર બે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, મુદત વીતી ગઇ હોવા છતાં બોન્ડ હોલ્ડર્સને વ્યાજની ચુકવણી કરાઇ નથી. કંપની દ્વારા આ અંગે કોઇ જવાબ પણ આપવામાં આવી રહ્યો નથી. હવે કંપની ૩૦ દિવસના ગ્રેસ પિરિયડમાં પ્રવેશી છે અને જો તે બોન્ડના વ્યાજની ચુકવણીમાં નિષ્ફળ જશે તો તે નાદાર જાહેર થઇ જશે. સિંગાપોરના આર્થિક બાબતોના નિષ્ણાત હોવ ચુંગ વાને જણાવ્યું હતું કે, અત્યારે એવરગ્રાન્ડેની સ્થિતિ અંગે અકળ મૌન પ્રવર્તી રહ્યું છે. હાલ કોઇ મોટું જોખમ લેવા માગતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter