ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં આવેલી લોન્ગયૂ ગુફાઓ આજે પણ પુરાતત્વ અને ઇતિહાસ માટે વણઉકેલ કોયડો બની રહી છે. સ્થાનિક ખેડૂતોએ 1992માં તેને શોધ્યા બાદ આ રહસ્ય દુનિયા સમક્ષ ઉજાગર થયું હતું. લગભગ બે હજાર વર્ષ પુરાણી મનાતી આ ગુફાઓનો આકાર અને શિલ્પ જોઇને વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. અત્યાર સુધીમાં કુલ ગુફાઓ શોધી કાઢવામાં આવી છે, જેમાં વિશાળકાય ખંડ, ઊંચી છત, મજબૂત સ્તંભ અને દીવાલો ઉપર સમાંતરે કોતરાયેલા આંકા નજરે પડે છે. સૌથી નોંધનીય વાત તો એ છે કે આ ગુફાઓના નિર્માણ સાથે જોડાયેલો કોઇ ઐતિહાસિક સંદર્ભે ઉપલબ્ધ નથી. જોકે આ ગુફાઓની નમૂનેદાર રચના અને ઉત્કૃષ્ટ સ્થાપત્ય જોતાં સ્પષ્ટ જણાઇ આવે છે કે તેના નિર્માણ માટે અસાધારણ જહેમત ઉઠાવવામાં આવી છે.


