ચીનની સિંગવા યુનિવર્સિટીમાં એઆઈ સંચાલિત અનોખી હોસ્પિટલ

Wednesday 09th July 2025 07:53 EDT
 
 

બૈજિંગ: ચીનની સિંગવા યુનિવર્સિટીના એઆઈ રિસર્ચ વિભાગે દુનિયાની પ્રથમ એઆઈથી ચાલતી હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલનું નામ એજન્ટ હોસ્પિટલ રખાયું છે. આ એઆઈ એજન્ટનું નિર્માણ રોગોનું ઝડપથી નિદાન થાય તે માટે કરાયું છે. તેનાથી ડોક્ટર્સનો વર્કલોડ ઘટશે. અનેક દર્દીઓને એક દિવસમાં સારવાર કરવાનું શક્ય બનશે.
યુનિવર્સિટીના સંશોધકોએ બનાવેલી આ વર્ચ્યુઅલ હોસ્પિટલમાં 14 એઆઈ ડોક્ટર્સ છે અને 4 એઆઈ નર્સ છે. આ ડોક્ટર્સ અને નર્સની ટીમ 24 કલાકમાં ત્રણ હજાર દર્દીઓના રોગોનું નિદાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ એઆઈ હોસ્પિટલના કારણે દર્દીઓને હ્મુમન ડોક્ટર્સની અપોઈન્મેન્ટમાં સમય લાગતો હતો એમાંથી રાહત મળશે. ઝડપથી સારવારનો વિકલ્પ ખુલશે.
આ હોસ્પિટલ એક રીતે ઓનલાઈન પ્લેટફોર્મ છે. એમાં 21 ક્લિનિકલ વિભાગો કાર્યરત છે. આ એઆઈ પાવર્ડ હોસ્પિટલમાં દર્દીઓના વિવિધ રોગોને ઝડપથી ઓળખી કાઢવામાં આવે છે અને એઆઈ ડોક્ટર્સ સારવારનો પ્લાન પણ બનાવી આપે છે.
રોગના લક્ષણો ઓળખવાથી માંડીને સચોટ નિદાન કરવું, સારવાર કરવી અને રોગમાંથી ઉભર્યા પછી દર્દીનું ફોલોઅપ લેવું - આ બધા સ્ટેપ્સનું કામ એઆઈ ડોક્ટર્સ કરી શકે છે. યુનિવર્સિટીના સંશોધકોએ જોકે એવી સ્પષ્ટતા જરૂર કરી હતી કે આ એઆઈ ડોક્ટર્સ હ્મુમન ડોક્ટર્સને રિપ્લેસ કરી શકે નહીં, પરંતુ તેમને મદદ ચોક્કસ કરી શકે. તેનાથી હેલ્થ કેર સિસ્ટમ વધારે બહેતર બનશે એવો આશાવાદ સંશોધકોએ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter