બેઈજિંગઃ ચીનના જિઆંગ્સ પ્રાંતમાં આવેલી એક હોટેલે સિંહના બચ્ચાં સાથે વેક-અપ સર્વિસ આપીને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. સુકેન શહેરમાં આવેલી હેપ્પી કન્ટ્રીસાઈડ રિસોર્ટ મહેમાનોને સવારે જગાડવા માટે સિંહના બચ્ચાંને મોકલે છે. હોટેલમાં 20 રૂમ છે જ્યાં સવારે 8થી 10 વાગ્યાની વચ્ચે આ ખાસ ‘મોર્નિંગ કોલ’ સર્વિસ મળે છે. સિંહનું બચ્ચું તેના ટ્રેનર સાથે મહેમાનોના રૂમમાં પ્રવેશે છે અને મહેમાનો સાથે મસ્તી કરે છે. દરેક સેશન લગભગ 7 મિનિટનું હોય છે. અલબત્ત, આ અનોખા રોમાંચક અનુભવ માટે વ્યક્તિ દીઠ એકસ્ટ્રા ચાર્જીસ પણ ચૂકવવો પડે છે. બુકિંગ ઘણા દિવસો પહેલાં જ ફૂલ થઈ જાય છે. મહેમાનોએ આ સર્વિસ મેળવવા માટે પહેલાં ‘એશિયાટિક લાયન વેકઅપ સર્વિસ એગ્રીમેન્ટ’ નામના સિક્યુરિટી કોન્ટ્રેક્ટ પર સહી કરવી પડે છે. હોટેલનો દાવો છે કે તેમની પાસે સિંહ પાળવાની અને આવી સર્વિસ આપવાની તમામ લિગલ પરમિટ છે અને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે.
જોકે, સોશિયલ મીડિયા પર આ સર્વિસની ખૂબ ટીકા થઈ રહી છે. બેઇજિંગના એક વાઇલ્ડલાઇફ લોયરનું કહેવું છે કે સિંહના બચ્ચાં સાથે સતત ઈન્ટરેક્શન તેમને તણાવ આપી શકે છે અને મહેમાનોને ઈજા પહોંચાડવાની પણ સંભાવના છે.


