બેઇજિંગઃ ટેક્નોલોજી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ચીનથી એક અનોખા એટીએમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ એટીએમમાં લોકો સોનું જમા કરાવીને તાત્કાલીક રૂપિયા મેળવી શકે છે. વળી નવાઇની વાત એ છે કે આ એટીએમમાં જે સોનું નાંખવામાં આવે છે તે તરત જ પીગળી જાય છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં લોકો એટીએમમાં સોનું નાંખતા દેખાય છે, જેવું સોનું અંદર જાય કે તરત જ પ્રોસેસ શરૂ થઇ જાય છે ને તે પીગળી જાય છે. સ્વાભાવિક છે કે સોનું પીગળતાં જ શુદ્ધતા અને વજનનો ખ્યાલ આવી જાય છે. શુદ્ધતાના આધારે જે તે દિવસના ભાવના આધારે સોનાનું મૂલ્ય નક્કી થાય છે અને અડધો કલાકમાં તો તેના નાણાં વ્યક્તિના ખાતામાં જમા થઇ જાય છે. કિંગહૂડ ગ્રુપ સંચાલિત આ એટીએમમાં ત્રણ ગ્રામથી વધુ અને ઓછામાં ઓછા 50 ટકા શુદ્ધતા ધરાવતું સોનું સ્વીકાર કરવામાં આવે છે.
એક ડેમો મુજબ એક વ્યક્તિ ગોલ્ડ એટીએમમાં આશરે 40 ગ્રામ સોનાની ચેન ડિપોઝિટ કરે છે. થોડી વારમાં 785 યુઆન એટલે કે 9200 રૂપિયા પ્રતિ ગ્રામ લેખે કુલ 36000 યુઆન એટલે કે 4.2 લાખ રૂપિયા સીધા જ તેના બેન્ક ખાતામાં જમા થઇ જાય છે. આજે દુનિયાભરમાં સોનાની કિંમત આસમાનને આંબી રહી છે ત્યારે ઘણા લોકો જપોતાનું જૂનું સોનું આ મશીનની મદદથી વેચવા લાગ્યા છે. લોકોને આ મશીન એટલું પસંદ આવી રહ્યું છે કે તેઓ એડવાન્સમાં બૂકિંગ કરાવવા લાગ્યા છે. એક અહેવાલ અનુસાર મે મહિનાના અંત સુધીનું બૂકિંગ થઇ ચુક્યું છે. આ મશીન રિસાઇકલિંગ તરીકે પણ કામ કરી રહ્યા છે.


