નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ખનિજ સંપત્તિ પર તેમનો કંટ્રોલ રહેશે. અફઘાનિસ્તાનમાં કેટલાય પ્રકારના ખનિજ છે, જેની લગભગ ૧ ટ્રિલિયન ડોલર આંકવામાં આવી છે. આ ખનિજ અફઘાનિસ્તાની ધરતીના પેટાળમાં પડેલાં છે. આ પૈકી કેટલાક ખનિજ એવા છે જે રિન્યુએબલ એનર્જી માટે દુનિયાની મોટી જરૂરત પૂર્ણ કરી શકે છે. જોકે એ પણ હકીકત છે કે અફઘાનિસ્તાને પોતાના વિશાળ ખનિજ ભંડારને શોધવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો છે.
તાલિબાન ૨૦ વર્ષ પછી સત્તામાં પરત ફર્યું છે અને તેમની પાસે નાણાકીય સંસાધન મર્યાદિત છે. અફઘાનિસ્તાનમાં અંતહીન યુદ્ધો અને કમજોર માળખાકીય સુવિધાએ દેશને આ કિંમતી ધાતુઓ જમીનમાંથી બહાર કાઢવાનો મોકો આપ્યો નથી. આ કુદરતી જથ્થો દેશનું આર્થિક ભાગ્ય બદલી શકે છે.
યુએસ જિયોલોજિકલ સર્વેએ જાન્યુઆરીમાં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે અનુસાર ખનીજોમાં બોકસાઇટ, તાંબુ, લોહ, લિથિયમ વગેરે સામેલ છે. કોપર જે વીજળીના તાર બનાવવા માટે જરૂરી છે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક કાર બેટરી, સોલર પેનલ અને વિન્ડ ફાર્મ બનાવવા માટે લિથિયમ એક મહત્ત્વપૂર્ણ એલિમેન્ટ છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના રિપોર્ટ અનુસાર ૨૦૪૦ સુધી વિશ્વમાં લિથિયમની માંગ ૪૦ ગણી વધવાની આશા છે.
‘એ રેર મેટલ્સ વોર’ પુસ્તકના લેખક ગિલાઉમ પેટ્રનના કહેવા અનુસાર અફઘાનિસ્તાન લિથિયમના એક વિશાળ ભંડાર પર બેઠું છે, જેનું આજ દિન સુધી ખનન થયું નથી. અફઘાનિસ્તાનમાં નોયોડિમિયમ, પ્રેજોડિયમ અને ડિસ્પ્રોસિયમ રેર અર્થ મેટલ પણ છે, જેનો ઉપયોગ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં કરવામાં આવે છે. અમેરિકન એજન્સીના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની ખનિજ સંપત્તિ અંદાજે ૧ ટ્રિલિયન ડોલર છે.
જોકે, અફઘાન અધિકારીઓના કહેવા અનુસાર તો આ ખનીજ સંપત્તિનું ત્રણ ગણું વધારે છે. અફઘાનિસ્તાનમાં પન્ના અને માણેક જેવા કિંમતી પથ્થરોની સાથે સાથે સેમિ-પ્રેશિયસ ટૂમલાઈન અને લેપિસ લાજુલી પણ નીકળે છે. પરંતુ આ ધાતુઓની પાકિસ્તાનમાં ગેરકાયદે તસ્કરી થાય છે.
આ ઉપરાંત આરસપહાણ, કોલસા અને આર્યનના ભંડાળ પણ વિશાળ છે. નોંધવા જેવી બાબત એ છે કે તાલિબાનના કબજાથી વિદેશી રોકાણકારો હાલ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જોકે ચીન હવે અફઘાનિસ્તાનના તાલિબાન સંગઠન સાથે બિઝનેસ કરવા તૈયાર છે.
ચીન કહી ચૂક્યું છે કે તાલિબાનના કાબુલપ્રવેશ બાદ હવે તે અફઘાનિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ અને સહયોગપૂર્ણ સંબંધ રાખવા તૈયાર છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના મત અનુસાર વિશ્વના સૌથી મોટા તાંબાના ભંડારને બહાર કાઢવાનો પ્રોજેક્ટ સુરક્ષાના કારણોસર હાલ અટકેલો છે.