બૈજિંગઃ ચીનમાં તાજેતરમાં પાલતું પ્રાણીઓના માલિકો પોતાના શ્વાનના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે અનોખા મંદિરમાં જઈ રહ્યાં છે. અહીં તેઓ શ્રદ્ધાભેર ‘ડોગ ગોડ’ની પૂજા કરે છે. ડોગને ભોગ ધરાવે છે અને પોતાના પાળેલા જાનવરના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પ્રાથના કરે છે. પૂર્વ ચીનના અહૂઈ પ્રાંતમાં જિયુહુઆ માઉન્ટેન પર આ મંદિર આવેલું છે. આ જિયુહુઆ પર્વત ચીનના 4 મહાન બૌદ્ધ પર્વતોમાંથી એક છે.
સ્થાનિકોના કહેવા પ્રમાણે, આત્માઓની રક્ષા કરનારા એક બૌદ્ધ સાધુએ એક સફેદ શ્વાન પાળ્યો હતો. જ્ઞાનપ્રાપ્ત થયા પછી, તે શ્વાન એક દિવ્ય પ્રાણી (દિતિંગ) બની ગયો. દિતિંગના આકાર અંગે તે કહે છે કે વાઘનું માથું, અજગરનું શરીર, સિંહની પૂંછડી અને શ્વાનના કાન છે. દિતીંગને બુદ્ધિમતા, ન્યાય અને વફાદારીનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરમાં વયસ્કો માટે ટિકિટનો ચાર્જ આશરે 10 ડોલર છે, પરંતુ પાળતું પ્રાણીને મફત પ્રવેશ છે. સોશિયલ મીડિયા પર આ મંદિર અંગે ચર્ચા વધવાથી હવે લોકો પોતાના શ્વાનોને લઈને અહીં આવી રહ્યાં છે. આ ધર્મસ્થાનમાં આસ્થા ધરાવતા લોકો દિતિંગની મૂર્તિ સમક્ષ શ્વાનને ભોજન અને નાસ્તો ધરાવે છે શ્વાનના માલિક પોતાના પાળેલા પ્રાણીના પટ્ટા અગરબત્તીની રાખમાં રાખે છે. એવું મનાય છે કે તેનાથી પાળેલા પ્રાણીઓ ખોવાઇ જવાથી બચે છે.


