બેઇજિંગ: ચીનમાં ટેકનોલોજી કંપનીઓની મુશ્કેલી વધતી દેખાઇ રહી છે. સરકારે મોનોપોલી વિરોધી કાર્યવાહી હેઠળ અલીબાબા સમૂહ અને ટેનસેન્ટ હોલ્ડિંગ્સ સહિત ઘણી દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓને દંડ ફટકાર્યો છે. આ દંડ કોર્પોરેટ અધિગ્રહણની જાણકારી ન આપવા બદલ કરાયો છે.
સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ફોર માર્કેટ રેગ્યુલેશન મુજબ કંપનીઓ 'ઓપરેશનલ કોન્સન્ટ્રેશન' (કામગીરી કેન્દ્રીકરણ)ના નિયમો હેઠળ આઠ વર્ષ પહેલા થયેલા ૪૩ અધિગ્રહણની જાણ કરવામાં નિષ્ફળ રહી છે. સરકારી વિભાગે નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રત્યેક નિયમ ભંગ બદલ ૫ લાખ યુઆન (લગભગ રૂ. ૫૯ લાખ)નો દંડ કરાયો છે.
કસૂરવાર કંપનીઓમાં અલીબાબા ગ્રૂપ, ટેન્સેન્ટ, ઓનલાઇન રિટેલર જેડી ડોટ કોમ ઇન્ક, સનીંગ લિમિટેડ અને સર્ચ એન્જન ઓપરેટર બાઇડુ હબ સામેલ છે. વર્ષ ૨૦૧૩માં થયેલા અધિગ્રહણમાં નેટવર્ક ટેકનોલોજી, મેપિંગ અને મેડિકલ ટેકનોલોજી એસેટ્સ સામેલ હતી. નોંધનીય છે કે, ચીનની સરકારે તેને ત્યાં કામગીરી કરતી ટેકનોલોજી કંપનીઓના એન્ટી-મોનોપોલી, ડેટા સિક્યોરિટી અને અન્ય મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે.