નવી દિલ્હીઃ ચીને અમેરિકાના પણ હોશ ઉડાવી દેતું ફાઈટર કમ જાસૂસી જેટ તાજેતરમાં બનાવ્યું છે. આ વિમાન ફાઈટર જેટની સાથે જાસૂસીની ભૂમિકા પણ ભજવી શકે છે. હાલમાં જ ચીને સ્ટિલ્થ ફાઇટર પ્લેન જે-૨૦ રજૂ કર્યું છે. આ વિમાન રજૂ થતાં જ અનેક દેશોએ આ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ ચીન સામે મૂક્યો છે. ચીન પણ વિમાનોના અબજો રૂપિયાના વેપાર પર નજર રાખીને બેઠું છે. આ ક્ષેત્રમાં પણ ચીન અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જેવા દેશોને પાછળ છોડી દેવા માગે છે. ચીને જે-૨૦ની ટેકનિકલ વિગતો જાહેર કરી નથી, પરંતુ અનેક દેશો આ વિમાન ખરીદવા માગે છે એના કારણો રસપ્રદ છે. જે-૨૦ ૨,૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. આશરે વીસ મીટર લાંબુ અને સાડા ચાર મીટર ઊંચું આ વિમાન ફક્ત ૧૩ મીટર લાંબી પાંખો ધરાવે છે. વળી, જે-૨૦ ૩,૬૦૦ કિલો જેટલું વજન લઈને ઊડી શકે છે. જે-૨૦માં એક જ વખતમાં ૨૫ હજાર પાઉન્ડ પેટ્રોલ ભરી શકાય છે. જોકે, આ વિમાનમાં ફક્ત એક જ પાયલોટ બેસી શકે છે. એટલું જ નહીં, તેનાથી આકાશમાં જ મિસાઈલો છોડી શકાય છે. વર્ષ ૨૦૧૮માં ચીન વાયુસેનામાં જે-૨૦ સામેલ કરશે. ભારત હજુ સુધી આવા સ્ટિલ્થ વિમાનો બનાવી નથી શક્યું, જે દુશ્મનની રડારની આંખમાં ધૂળ નાંખીને છટકી શકે. બીજી તરફ, પાકિસ્તાન ચીન પાસેથી જે-૨૦ જેવા વિમાનો ખરીદવાની વાતચીત કરી રહ્યું છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, ચીને હવાઇ પ્રદર્શનોના નામે અમેરિકાને સંદેશ આપી દીધો છે કે, એફ-૨૨ અને એફ-૩૫નો અમે જવાબ આપી દીધો છે. અમેરિકાના આ વિમાનો ટૂંક સમયમાં જાપાનમાં પેસિફિક સમુદ્રમાં તૈનાત થવાના હતા.