સયુક્ત રાષ્ટ્રસંઘઃ સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૨મીથી ધ ટ્રિટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન્સ (ટીપીએનડબલ્યુ) અમલી બનાવી હતી. જોકે જે નવ દેશો પાસે પરમાણુ હથિયારો છે તેઓ સંધિ માટે સહમત થયા નહોતા. અત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, પાકિસ્તાન, ઈઝરાયેલ, ઉત્તર કોરિયા અને ભારત એમ નવ દેશો પાસે પરમાણુ હથિયારો છે. આ દેશોએ સંધિ નથી કરી પણ એવી ખાતરી આપે છે કે અમારા હથિયારો માત્ર સ્વ-રક્ષણ માટે છે, અમે કોઈ પર હુમલો કરવા માંગતા નથી. રાષ્ટ્રસંઘે ૨૦૧૭માં જગતને પરમાણુ હથિયારોથી દૂર કરવા આ સંધિ પર ચર્ચા આરંભી હતી ત્યારે જગતના ૧૨૨ દેશોએ મંજૂરી આપી હતી, પરંતુ અમલ થવાની તારીખ આવી ત્યાં સુધીમાં ૬૧ દેશોએ જ સહી કરી. રાષ્ટ્રસંઘની મોટા ભાગની સંધિઓની માફક એ એક દસ્તાવેજ બની રહે છે. અન્ય દેશો તો ઠીક જેના પર પરમાણુ હુમલો થયો છે, એવા દેશ જાપાને પણ આ સંધિ માટે મંજૂરી આપી નથી.