કોલંબો: છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર આર્થિક સંકટમાં અટવાયેલા શ્રીલંકાને હવે રાજકીય અસ્થિરતાએ ભરડો લીધો છે. દેશભરમાં સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી છે. વડા પ્રધાન મહિન્દા રાજપક્સેએ રાજીનામું ધરી દીધું છે અને સરકારે દેશમાં કટોકટી જાહેર કરીને સ્થિતિને નિયંત્રણમાં લેવા લશ્કરી દળોને વિશેષાધિકાર આપ્યા છે. હિંસામાં શાસક પક્ષના એક સાંસદ સહિત ત્રણનાં મોત થયા છે અને 150થી વધુને ઈજા થઈ છે. સમગ્ર દેશમાં ચોમેર અરાજકતાનો માહોલ પ્રવર્તે છે.
વર્તમાન આર્થિક કટોકટી માટે મહિન્દા રાજપક્સે સરકારને કસૂરવાર માનતા લોકો તેમના રાજીનામાની માગ સાથે ધરણાં-વિરોધ પ્રદર્શન યોજી રહ્યા હતા. જોકે સોમવારે રાજપક્સેના વડા પ્રધાન પદેથી રાજીનામાના અહેવાલો આવતાં દેશમાં સરકારના ટેકેદારો અને વિરોધીઓ હિંસા પર ઊતરી આવ્યા હતા. રાજમહેલની બહાર બેઠેલા નિઃશસ્ત્ર દેખાવકારો પર સરકરાના ટેકેદારો તૂટી પડ્યા હતા. જેમાં અનેકને ઈજા થઈ હતી. દેશભરમાં અનિશ્ચિત મુદતનો કરફ્યૂ લાદવામાં આવ્યો હતો.