જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ

અડધી સદીની મહેનત બાદ સંશોધકો જગતની સૌથી ઊંડી ગુફાના તળિયે પહોંચ્યા!

Saturday 24th October 2020 04:06 EDT
 
 

યુરોપિયન દેશ જ્યોર્જિયાની પડોશમાં અબાખાઝિયા નાનકડો દેશ છે. ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા એ દેશમાં દુનિયાની સૌથી ઊંડી ગુફા છે. ૭૨૫૭ ફીટ (સવા બે કિમી) ઊંડી વેરીવોકિના નામની ગુફા તો છેક ૧૯૬૮માં મળી આવી હતી. એ વખતે કેટલાક સંશોધકોએ અંદર ઊતરી તપાસ કરવા પ્રયાસ કર્યો હતો, પણ વધારે પડતી ઊંડી લાગતા ઉતરાણ રદ્દ કર્યું હતું.
જૂલે વર્નની લોકપ્રિય વાર્તા ‘ધ જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ’ની માફક પેટાળમાં લઈ જતી આ ગુફાના તળિયે પહોંચવામાં સંશોધકો પહેલી વખત છેક ૨૦૧૮માં સફળ થયા હતા. ગુફા ઊંડી હોવાનું જાણ્યા પછી નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીએ પોતાની ટીમ તળિયે રવાના કરી. અંદર ઊતરેલી ટીમે કુલ બે અઠવાડિયાની પેટાળ સફર કરી અને ગુફાની અજાણી દુનિયા વિશે બહારની દુનિયાને અવગત કરાવી તે સમયની આ તસવીરો છે. આ સમય સુધી આ ગુફાની ખરી ઊંડાઈ વિશે કોઇને જાણકારી નહોતી.
એકની ઉપર એક સાત એફિલ ટાવર ગોઠવી શકાય એટલી ઊંડી ગુફામાં ઉતરવું અનેક રીતે પડકારભર્યું છે. ઊંડાણ સાથે ઓક્સિજનની કમી વર્તાય. સંશોધકોની ટુકડી ખોરાક-પાણી સાથે લઈને ગઈ હતી કેમ કે અંદર આગ પ્રગટાવવાનું જોખમ ન લઈ શકાય. ગુફામાં ઝેરી વાયુ હોઈ શકે. ઠંડુ તાપમાન, અજાણ્યા સજીવો હોઈ શકે (જે ખરેખર મળ્યા જ) અને ગુફાની અજાણી રચના પણ મોટો પડકાર હતો. જોકે, સંશોધકોને મુશ્કેલી ત્યારે સર્જાઈ જ્યારે ઊભી ગુફામાં રચાયેલી આડી ટનલમાં અચાનક પૂર આવ્યું. ભૂગર્ભમાં થયેલી હલચલને કારણે સંશોધકોએ જ્યાં કેમ્પ નાંખ્યા હતા ત્યાં થોડા સમય પછી તળાવ રચાયું હતું. ગુફાના કેટલાક આડા ભાગમાં તો સતત પાણી ભરાયેલું રહે છે. એવરેસ્ટ જેવા શીખરના ચઢાણ માટે જેમ જેમ થોડી થોડી ઊંચાઈએ પડાવ નાખવો પડે એમ આવી ગુફામાં પણ થોડી થોડી નીચાઈએ કુલ ૭ પડાવ પછી સંશોધકો તળિયે પહોંચ્યા હતા. સૌથી નીચેનો કેમ્પ ૬૮૯૦ ફૂટે હતો. (સૌથી છેલ્લી તસવીર) અહીંથી પુરાતન ખડકો, સુક્ષ્મ જીવો, વિંછી સહિતના સજીવોના નમૂના એકઠા કરાયા છે અને તેમનો વધુ અભ્યાસ થઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter