જાપાનનાં વૃદ્ધો જેલમાં આશરો શોધી રહ્યાા છે

Friday 02nd May 2025 10:53 EDT
 
 

ટોક્યો: જાપાનમાં સરેરાશ આયુષ્ય ઘણું વધી ગયું છે, તેથી વૃદ્ધોની સંખ્યા પણ સતત વધતી જાય છે. જાપાનમાં સંયુક્ત કુટુંબ જેવું હવે રહ્યું નથી. પુત્રો કે પુત્રીઓ, વૃદ્ધ માતા-પિતાને છોડી બીજે જતાં રહે છે. યુવા પેઢી પૈતૃક ઘરમાં વૃદ્ધ માતા કે પિતા કે વૃદ્ધ માતા-પિતા બંનેને છોડીને એક જ શહેરમાં બીજા ઘરમાં રહેવા જઇ રહી છે. આવા વૃદ્ધો માટે એકલવાયાપણું અભિશાપરૂપ બની રહ્યું છે. અસંખ્ય ઘટનાઓ તેવી નોંધાઇ રહી છે કે વૃદ્ધ માતા-પિતાને ખાવાનાં સાંસા પડી જાય છે. આ હાલતમાં લાચારીવશ તેઓ જાણીજોઈને અપરાધો કરે છે, જેથી પોલીસ તેમને પકડી જેલ ભેગાં કરે છે. કેમ કે અહીં તેમને બહાર કરતાં વધુ સુખ પણ મળે છે, અને બે ટંકનું ભોજન પણ.
81 વર્ષની એક વૃદ્ધાએ તાજેતરમાં આવું જ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે તેને ખાવા-પીવાનાં પણ સાંસાં પડી જતાં તેણે જાણી જોઈને કાયદાનો ભંગ કર્યો જેથી પોલીસે તેમની ધરપકડ કરી. કોર્ટમાં તેણે પોતાની ઉપરનો ચોરીનો આરોપ તરત સ્વીકારી લીધો. અને સ્વાભાવિક છે કે તેમને જેલવાસની સજા થઈ.
જાપાનની તોચિગી મહિલા જેલમાં રહેલાં ઓકિયો કહે છે કે જેલમાં જવાથી તેઓનાં જીવનમાં સ્થિરતા આવી છે. પોતે 60 વર્ષનાં હતા ત્યારે ખાવાનું ચોરવાના આરોપસર મને જેલની સજા થઈ હતી. આમ મને વધુ સારું ભોજન મળ્યું હતું, અને રહેવાને છત પણ મળી છે.
ઓકિયો કહે છે કે જાપાની સરકાર વૃદ્ધો માટે પેન્શન સ્કીમ તો ચલાવે છે, પરંતુ જીવનનિર્વાહ માટે તે રકમ પૂરતી થતી નથી. સીએનએન ટીવીના એક રિપોર્ટ અનુસાર, તોચીગી મહિલા જેલમાં 500થી વધુ મહિલા કેદીઓ છે. તે પૈકી ચોથા ભાગની તો વૃદ્ધાઓ છે.
ઓકિયોએ કહ્યું હતું કે જો મારી આર્થિક સ્થિતિ સારી હોત તો જેલમાં જવાનું ક્યારેય વિચાર્યું પણ ન હોત. અહીં (જેલમાં) માહોલ ઘણો સરસ છે. બધા એકબીજાને મદદ કરે છે, તેથી જેલમાં રહેવું વધુ પસંદ કરું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter