જાપાનમાં વાવાઝોડાના પગલે ૪૦૦ ફ્લાઈટ રદ્દ

Wednesday 24th August 2016 08:43 EDT
 

સોમવારે ટોકિયો પર શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું ત્રાટક્યું હતું. પ્રતિ કલાક ૧૨૬ કિ.મી.ની ગતિએ વાવાઝોડું ત્રાટકતાં નારિતા આંતરરાષ્ટ્રીય વિમાની મથકના કર્મચારીઓએ પર કંટ્રોલ ટાવર છોડી દીધો હતો. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, વિમાનીમથક એક કલાક બંધ રહ્યું હતું. જાપાન એરલાઈને ૧૪૮ સ્થાનિક ઊડ્ડયનો રદ કરી દીધાં હતાં. નિપ્પોન એરવેઝે પણ ૯૬ ફ્લાઈટ રદ્દ કરતાં ૪૯,૦૦૦ પ્રવાસી રઝળી પડ્યાં હતાં. 

• યુએસમાં ૧૧ વર્ષમાં ૫૩,૦૦૦ હિન્દુ શરણાર્થીઃ અમેરિકાના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશે ૨૦૦૫થી ૫૩,૦૦૦થી વધુ હિન્દુ શરણાર્થીઓને અપનાવ્યા છે. તેમાં સૌથી વધુ ભુટાનના છે. ભારતમાંથી માત્ર ૧૧ છે.

• યુએસની ચૂંટણીમાં ત્રણ ભારતીય મહિલાઓઃ અમેરિકન સંસદની ચૂંટણીમાં ત્રણ ભારતીય અમેરિકન મહિલાઓ પ્રમિલા જયપાલ, કમલા હેરિસ અને લતિકા મેરી થોમસ પણ સંસદમાં પહોંચીને ઇતિહાસ રચવાની તૈયારી કરી રહી છે. માં બંને અગ્રણી પાર્ટીઓ તરફથી ૧૯ ટકા મહિલાઓ છે.

• તુર્કીમાં વિસ્ફોટ,૫૦નાં મોતઃ તુર્કીમાં સીરિયાની સરહદે આવેલા ગાઝિયાન્તેપ શહેરના એક લગ્ન સમારંભમાં ૨૧મીએ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ૫૦ લોકો માર્યા ગયા છે અને ૧૦૦થી વધુ લોકો ઘવાયા છે, જે પૈકી ઓછામાં ઓછા ૧૭ લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. સત્તાવાળાઓએ આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, કોઇ પણ આતંકી સંગઠને હજી સુધી હુમલાની જવાબદારી સ્વીકારી નથી પરંતુ આઇએસના આતંકીએ હુમલો કર્યો હોવાની આશંકા છે.

• શીખ નેતાના પોસ્ટરમાં ISIS લખાતા હોબાળોઃ ન્યૂ ઝીલેન્ડમાં આવેલા હેમિલ્ટનમાં કાઉન્સેલરની ચૂંટણી લડી રહેલા શીખ ઉમેદવાર યુવરાજ સિંહ માહિલના ચૂંટણી પોસ્ટર્સમાં મુસ્લિમ ફોબિયાથી પીડાતા લોકોએ આઈએસઆઈએસ લખી નાંખતા હોબાળો મચ્યો છે. હેમિલ્ટનમાં પહેલી વખત કાઉન્સેલરની ચૂંટણી લડી રહેલા યુવરાજ સિંહ માહિલ અને તેના સહયોગી ઉમેદવાર એન્ના કેસ્સી-કોક્સે કોમ્યુનિટી વોઈસ ગ્રુપના માધ્યમથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter