જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

Saturday 13th December 2025 08:30 EST
 
 

ટોક્યોઃ વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ સૌથી વધુ શતાયુની સંખ્યા જાપાનમાં છે. સો વર્ષ કે તેથી વધુ વય ધરાવતા જીવંત લોકો સૌથી વધુ 1,23,330 જાપાનમાં રહે છે.

આ યાદીમાં જાપાન પ્રથમ ક્રમે છે તો 73,629 શતાયુ સાથે અમેરિકા આ લિસ્ટમાં બીજા ક્રમે છે. 48,566 શતાયુ સાથે ચીન યાદીમાં ત્રીજા ક્રમે છે. ટોપ-5માં ભારત ચોથા ક્રમે છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં 37,988 શતાયુ રહે છે. એક સદીનું આયખું ભોગવતા 33,220 લોકો સાથે ફ્રાન્સ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે.
આ પાંચ દેશોમાં સૌથી વધુ વયોવૃદ્ધો રહે છે. તે સિવાય 100 વર્ષથી વધુ વય હોય એવા નાગરિક ઈટાલી, રશિયા, જર્મની, બ્રિટન, સ્પેન, થાઈલેન્ડ, કેનેડા અને સાઉથ કોરિયામાં વધારે છે. આ દેશોમાં 100 વર્ષથી વધુ વસતિ ધરાવતા લોકો સરેરાશ 11 હજારથી 23 હજાર જેટલા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે હેલ્થકેર સિસ્ટમનો વિકાસ થયો હોવાથી અને આધુનિક ટેકનોલોજી વિકસી હોવાથી આગામી સમયમાં શતાયુની વસતીમાં હજુય વધારો થશે. કદાચ આગામી દોઢ દશકામાં આ આંકડો અત્યારની સરખામણીએ બમણાથી વધે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

શતાયુ વસતી વધવાનું કારણ
છેલ્લાં 15 વર્ષમાં શતાયુ વસતીમાં બમણો વધારો થયો છે. એ પાછળ હેલ્થકેરનો વિકાસ થયો તે સૌથી મોટું પરિબળ છે. સમયસર સારવાર મળતી થઈ તેનાથી આયુષ્યમાં વધારો નોંધાયો છે. તે ઉપરાંત વેક્સિનેશન, બીમારી કંટ્રોલ કરવાની ટેકનોલોજી, પેન્શન સિસ્ટમ જેવી સુવિધાથી શતાયુ વસતિમાં વૃદ્ધિ થઈ છે.
આ ઉપરાંત છેલ્લાં દશકામાં હેલ્થ પ્રત્યે વયોવૃદ્ધોમાં આવેલી જાગૃતિ, શારીરિક એક્ટિવિટી, જીવનશૈલી વગેરેનો પણ એટલો જ ફાળો છે. જે દેશોમાં પરંપરાગત આહાર પદ્ધતિ પ્રચલિત છે અને શિસ્તબદ્ધ જીવનશૈલીનો વિકાસ થયો છે ત્યાંના લોકો આયખાના 100 વર્ષને આંબે છે. જાપાનમાં તણાવપૂર્ણ જીવનને બદલે આશાભર્યા જીવનનું વધારે મહત્ત્વ છે. જાપાનમાં શારીરિક એક્ટિવિટી પર વધારે ધ્યાન આપવામાં આવે છે. તેની અસર સરાસરી આયુષ્ય પર પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter