જાપાને જાંબલી રંગનું કૃત્રિમ લોહી વિકસાવ્યું, કરોડોના જીવ બચાવશે

આ લોહી કોઇ પણ બ્લડ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને ચઢાવી શકાશે

Sunday 27th July 2025 06:07 EDT
 
 

ટોક્યોઃ જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે. તેના લીધે દુનિયામાં મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થાય છે.
જોકે જાપાને વિકસાવેલું કૃત્રિમ રક્ત ગેમચેન્જર સાબિત થઈ શકે છે. આ લોહી જાંબલી રંગનું છે. આ કૃત્રિમ રક્ત હિમોગ્લોબિન વેસિકલ્સ (HbVs) તરીકે ઓળખાય છે. આ લોહીની અનેક ખાસિયત છે. આ એવું કૃત્રિમ રક્ત છે, જે અસલ લોહીની જેમ જ શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોંચાડવા સક્ષમ છે. તે હિમોગ્લોબિન આધારિત છે, જે લાલ રક્તકોશિકાનો એ ભાગ છે જે ઓક્સિજનને લઈ જાય છે. જાપાનની આ તકનીકમાં લિપિડ મેમ્બ્રેનમાં લપેટાયેલા નેનો આકારના હિમોગ્લોબિન કણોનો ઉપયોગ કરાય છે, જેનાથી તે 250 નેનોમીટરની નાની કૃત્રિમ રક્તકોશિકાઓ તરીકે કાર્ય કરે છે. આ લોહીનું આયુષ્ય પણ લાંબું છે. તેને રૂમ ટેમ્પરેચર પર બે વર્ષ સુધી સાચવી શકાય છે, જ્યારે સામાન્ય લોહી માત્ર 42 દિવસ ટકી શકે છે. જાપાને વિકસાવેલા રક્તને જૂના કે એક્સ્પાયર થઈ ગયેલા દાન કરાયેલા રક્તમાંથી બનાવી શકાય છે, જેનાથી લોહીનું નુકસાન ઘટી જશે.
કઈ રીતે આ લોહી બનાવાયું?
યુનિવર્સિટીના પ્રો. હિરોમી સાકાઈ અને તેમની ટીમે આ કૃત્રિમ લોહી બનાવવા એક અનોખી પ્રક્રિયા અપનાવી છે તે પ્રમાણે જૂના કે એક્સ્પાયર થઈ ગયેલા દાન કરાયેલા રક્તમાંથી હિમોગ્લોબિન છૂટું પડાય છે. છૂટા પાડેલા હિમોગ્લોબિનને નેનો આકારના લિપિડ મેમ્બ્રેનનું પડ ચડાવાય છે, જે તેને સ્થિરતા અને કાર્યક્ષમતા આપે છે. તેમાં 250 નેનોમીટર આકારની કૃત્રિમ કોશિકાઓ બનાવવામાં આવે છે, જે પ્રાકૃતિક લાલ રક્તકોશિકાઓની જેમ કાર્ય કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter