નવી દિલ્હીઃ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)માં જ હવે શી જિનપિંગનો વિરોધ થવા લાગ્યો છે. જિનપિંગને ભારત સામે શિંગડા ભરાવવા ભારે પડી રહ્યા છે. અમેરિકી મેગેઝિન ન્યુઝવીકના દાવા પ્રમાણે ભારત સાથે સંઘર્ષ કરવાનો નિર્ણય હવે જિનપિંગને ભારે પડી રહ્યો છે. ગલવાન હુમલો પણ જિનપિંગના આદેશથી જ થયો હતો. ભારતીય સૈન્ય અને સરકાર તરફથી આવો જોરદાર પ્રતિકાર મળશે, તેની પણ ચીની સત્તાધિશોને આશા ન હતી. હવે ગલવાન સંઘર્ષ જગવ્યાપી બની ગયો છે અને સૌ કોઈ તેના માટે ચીનને દોષિત ગણે છે.
હાર્યો જુગારી બમણું રમે એમ હવે જિનપિંગ ભારત સરહદે વધારે આક્રમક વર્તન કરે એવી શક્યતા છે. કેમ કે તેમણે પોતાના પક્ષ અને દેશ સમક્ષ પોતાની ક્ષમતા સાબિત કરવાની છે. સરહદે સંઘર્ષ ઉભો કરીને જમીન પચાવી પાડવી એ ચીનની જૂની રણનીતિ છે. એ નીતિ હેઠળ જ ચીન ભારત સરહદે વારંવાર નાના-મોટા છમકલાં કરે છે. જોકે ગલવાન પછીનો સંઘર્ષ રોજરોજ ગંભીર સ્વરૂપ ધારણ કરતો જાય છે.
ચીની સત્તાધીશો એવા ભ્રમમાં હતા કે ભારતીય સૈન્ય તેમનો મુકાબલો નહીં કરી શકે અને ભારતના નેતાઓ કડક નિર્ણયો નહીં લઈ શકે. પરંતુ એ ભ્રમ ભાંગી ચૂક્યો છે. હવે સ્થિતિ એવી છે કે ચીન કરતા ભારતીય સૈન્ય વધારે મજબૂતીથી સરહદનું સંરક્ષણ કરી રહી છે.
જર્મનીએ પણ ચીનને પડતું મૂક્યું
યુરોપના એક પછી એક દેશો ચીન સાથે સબંધો ઘટાડી રહ્યા છે. હવે જર્મનીએ પણ કહ્યું છે કે અમે એવા દેશોની જ પડખે ઉભા રહીશું, જે વિશ્વશાંતિ માટે કામ કરતા હોય, નિયમ પાલન કરતાં હોય. કોઈ દેશ મજબૂત હોવાનો દાવો કરે એટલે અમે તેમને સાથ આપી દઈએ એવું શક્ય નથી.
જર્મનીના વિદેશ પ્રધાન હેકો માસે કહ્યું હતું કે નવી ઈન્ડો-પેસિફિક નીતિમાં ચીનનું મહત્ત્વ અમારા માટે ઓછું છે. અત્યાર સુધી એશિયામાં ચીનને મોટો દેશ માનીને જર્મનીએ સબંધોમાં તેને પ્રાયોરિટી આપી હતી. હવે એ સ્થિતિ બદલાઈ છે.
યુએસના માલદીવ્સ સાથે કરાર
વિશ્વમાં સૌથી મોટા નૌકાદળ સાથે ચીન દક્ષિણ ચીન સમુદ્ર ઉપરાંત હવે હિંદ મહાસાગરમાં પણ હાજરી વધારી રહ્યું હોવાથી આ સમુદ્રમાં શાંતિ અને સલામતી જાળવવા માટે અમેરિકાએ માલદિવ્સ સાથે સંરક્ષણ સહકારના કરાર કર્યા છે. આ કરાર મારફત આ પ્રદેશમાં ચીનની હાજરીને ખાળવા માટે ઈન્ડો-પેસિફિકમાં મજબૂત જોડાણ તરફ ટ્રમ્પ વહીવટીતંત્રની નજર છે. કોરોના મહામારીના સમયમાં પણ પાઈરસી, હિંસક કટ્ટરવાદ, આતંકવાદ અને ગેરકાયદે વેપારનું પ્રમાણ વધ્યું હોવાથી ઈન્ડો-પેસિફિક સમુદ્રમાં શાંતિ અને સલામતી માટે આ કરાર ખૂબ મહત્વના છે.
અમેરિકા જગતનું સૌથી મોટું દુશ્મન: ચીન
ચીની સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે આખા જગત માટે જો કોઈ ખતરો હોય તો એ ચીન છે. વિશ્વભરમાં અમેરિકા દખલ કરી રહ્યું છે, અન્ય દેશોની સરહદી સમસ્યાઓમાં રસ લઈ રહ્યું છે. અમેરિકાના આક્રમણને કારણે આઠ લાખથી વધારે મોત થયા, લાખો લોકો બેઘર થયા છે.