જિનપિંગના ભારત પ્રવાસની તૈયારીઃ મંત્રણાના કેન્દ્રમાં હશે LAC વિવાદ

Wednesday 26th August 2026 04:44 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં આવતા મહિને 12-13 તારીખે 18મું બ્રિક્સ (BRICKS) સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં રશિયાના રાષ્ટ્ર૫તિ વ્લાદિમીર પુતિન સામેલ થશે તે નક્કી છે. અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પણ આવવાની તૈયારી ચાલી રહી છે. જો શી જિનપિંગ આવશે, તો તે તેમની 7 વર્ષ પછીની ભારત યાત્રા હશે. આ પહેલા તેઓ 2019માં ભારત આવ્યા હતા.
વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે ચીન તરફથી જિનપિંગના પ્રવાસની હજી સત્તાવાર માહિતી ભલે ન મળી હોય, પરંતુ એડવાન્સ ટીમોના પ્રવાસ અને બાકીની તૈયારી પરથી સ્પષ્ટ છે કે જિનપિંગ આવી શકે છે. તેમની યાત્રાને સફળ બનાવવા માટે બંને દેશ 6 મુખ્ય મોરચા પર સંમતિ બનાવવા માટે ચર્ચા શરૂ કરી ચૂક્યા છે.
સૌથી મહત્વપૂર્ણ કવાયત વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એવી દેખરેખ રાખવાની છે, જેનાથી કોઈ સૈન્ય હસ્તક્ષેપ માહોલને ન બગાડે. યાત્રા પહેલા એનએસએ અજીત ડોભાલ સીમા મામલે 25મા તબક્કાની વિશેષ પ્રતિનિધિ મંત્રણા માટે બેઇજિંગ પહોંચ્યા છે. ત્યાં તેઓ ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળશે. બંને દેશોનું ફોક્સ એલએસીના સ્થાયી સીમા પ્રબંધન પર છે. બંને દેશ પહેલી ઓગસ્ટથી ઉત્તરાખંડના લિપુલેખ અને સિક્કિમના શિપકી લા ઘાટથી સીમા વેપાર શરૂ કરી ચૂક્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા પણ પુનઃ શરૂ થઈ છે.

વિવિધ મુદ્દે મંત્રણાનો ધમધમાટ

• એલએસી પર શાંતિ: સરહદ પર અણધારી ઘટનાને રોકવી જેથી સંબંધો પર અસર ન પડે.
• અજિત ડોભાલ-વાંગ યી મંત્રણા: સીમાંકન, સરહદ પ્રબંધન અને સ્થાયી શાંતિ માટે 25મા તબક્કાની મંત્રણા.
• વેપાર અસંતુલન: 100 બિલિયન ડોલરથી વધુની વેપાર ખાધને ઘટાડવી.
• ક્રિટિકલ ઇનપુટ સુરક્ષા: રે૨ અર્થ મેગ્નેટ, ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટની સપ્લાય પર નિર્ભરતા ઘટાડવી.
• રોકાણના નિયમોમાં ઢીલઃ નિયંત્રિત રીતે ચીનની મૂડી, ટેકનોલોજી અને સરકારી કોન્ટ્રાક્ટ પરથી પ્રતિબંધ હટાવવો.
• સરહદી વેપાર અને વિઝાઃ પરંપરાગત વેપાર માર્ગો ખોલવા, માનસરોવર યાત્રા અને વિઝા પ્રક્રિયાને સરળ બનાવવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter