જેક મા: ચીનના બિલિયોનેર બિઝનેસમેન બે માસથી લાપતા છે

Thursday 07th January 2021 04:04 EST
 
 

બૈજિંગઃ ચીનના અલીબાબા ગ્રૂપના સ્થાપક જેક મા પાછલા બે માસથી જાહેરમાં જોવા મળ્યા નથી. નોંધનીય છે કે તેઓ શાંઘાઈ અને હોંગ કોંગમાં એન્ટનો ૩૭ બિલિયન ડોલરનો આઇપીઓ અચાનક રદ કરાયા બાદ ચીનની સરકારની નજરમાં હતા. જેક મા નવેમ્બર માસમાં પોતાના ટેલેન્ટ શો, આફ્રિકાઝ બિઝનેસ હિરોઝના અંતિમ એપિસોડમાં પણ નહોતા દેખાયા. આ શોમાં તેમનું સ્થાન અલીબાબાના એક એક્ઝિક્યૂટિવે સંભાળ્યું હતું.
અહેવાલ અનુસાર અલીબાબા તેમના સ્પર્ધકો જેમ કે ટેન્સેન્ટ હોલ્ડિંગના સેંકડો મિલિયન યુઝર્સને કારણે નિયમનકારી સંસ્થાઓના દબાણ હેઠળ છે. ગત મહિને ચીનની એન્ટિ-ટ્રસ્ટ ઓથોરિટીએ અલીબાબા ગ્રૂપની હોલ્ડિંગ અંગે તપાસ શરૂ કરી હતી. તેમજ ચીનની કેન્દ્રીય બેન્કે ગ્રૂપને પોતાનાં ધિરાણ અને અન્ય કન્ઝ્યૂમર ફાઇનાન્સ ઓપરેશનમાં ફેરફાર કરવા જણાવ્યું હતું. એમ પણ કહેવાય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગની ટીકા કરી છે ત્યારથી તેઓ ગાયબ થયા છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતનું જેટલું સુરક્ષા બજેટ હતું, તેમાં લગભગ બે હજાર કરોડ રૂપિયા ઉમેરી દેવામાં એટલી આ જેક માની કુલ સંપત્તિ હતી. લગભગ ૪૦ બિલિયન ડોલર એટલે કે ૨ લાખ ૬૧ હજાર કરોડ રૂપિયા. ફોર્બ્સ ૨૦૧૭ના રિપોર્ટ અનુસાર, જેક મા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. ફોર્બ્સના અહેવાલ અનુસાર હાલ તેમની સંપત્તિ ૫૭.૯ બિલિયન ડોલર છે. તેઓ ૨૦૨૦માં ચીનના સૌથી ધનવાન વ્યક્તિ હતા. દુનિયાના અબજપતિઓમાં તેઓ ૧૭મા ક્રમે છે. આજે સફળ જેક માની ઈ-કોમર્સ કંપની અલીબાબાનાં દરવાજા ભલે હજારો લાખો લોકો માટે ખુલ્લા હોય, પણ એક સમય એવો હતો કે જ્યારે જેક મા માટે ઘણી કંપની અને યુનિવર્સિટીએ પોતાના દરવાજા બંધ કરી દીધા હતા.

મિત્રોનાં પૈસે શરૂ કરી કંપની

જેકે વર્ષ ૧૯૯૬માં ચાઇના યલો પેજીસની શરૂઆત કરી. એ વખતે ચીનના લોકોના ઘરમાં કમ્પ્યૂટર હતા નહીં. આના માત્ર ત્રણ વર્ષ બાદ ૧૯૯૯માં જેક માએ પોતાના એપાર્ટમેન્ટમાં ૧૭ મિત્રો સાથે મળીને ઈ-કોમર્સ વેબસાઇટ અલી બાબાની શરૂઆત કરી. કંપની શરૂ કરવા માટેની ૬૦ હજાર ડોલરની રકમ જેકે પોતાના ૮૦ મિત્રો પાસેથી ભેગી કરી હતી. અલી બાબા કંપની ચીન અને અન્ય દેશોનાં નિકાસકારોને દુનિયાભરની કંપનીઓ સાથે જોડે છે. અલી બાબા ટાઓબાઓ ડોટકોમ (taobao.com) પણ ચલાવે છે, જે ચીનની સૌથી મોટી શોપિંગ વેબસાઇટ છે. અલી બાબાએ આવનારા વર્ષોમાં પોતાના વિસ્તાર માટે પેમેન્ટ વેબસાઇટ લોન્ચ કરી છે. પોતાની કંપનીનું નામ જેક માએ અલીબાબા કેમ રાખ્યું? આની પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે.

અલીબાબા નામ રાખવાનું કારણ?

જેક મા સાન ફ્રાન્સિસ્કોની એક કોફી શોપમાં બેઠાં હતાં, ત્યારે જ ત્યાં એક વેઇટ્રેસ આવી. જેકે વેઇટ્રેસને સવાલ પૂછ્યો, ‘શું તમે અલી બાબાને જાણો છો?’ જવાબમાં વેઇટ્રેસે કહ્યું - ખુલ જા સિમ સિમ. આ સાંભળતાં જ જેકે હા કહી. જેકે કોફી શોપમાં ટેસ્ટિંગ બાદ ગલીમાં નીકળીને ૩૦ લોકોને પૂછ્યું, ‘શું તમે અલી બાબા વિશે જાણો છો?’ જર્મની, ભારત, ટોક્યો અને ચીન... તમામ લોકો અલી બાબાને જાણતાં હતાં. જેક માને પોતાની કંપનીનું નામ મળી ગયું હતું. વાર્તાઓમાંથી નીકળીને અલી બાબા એક વેબસાઇટ કંપનીનું સ્વરૂપ લઈ ચૂક્યાં હતાં. જેક મા અલી બાબા નામ વિષે જણાવે છે, ‘અલી બાબા ચોર નહોતાં. તે દયાળુ હતાં અને એ જાણતા હતા કે વેપાર કેવી રીતે કરાય! અલી બાબાએ ગ્રામીણ લોકોની પણ મદદ કરી. આ જ રીતે અલી બાબા કંપની પણ તમામ લોકો માટે ખુલ્લી છે. જ્યાં દુનિયાભરનાં લોકો જઈને વેપાર કરી શકે છે.’

જેક માટે શ્રેષ્ઠ વેપાર આયોજન

જેકનું વેપાર આયોજન શું છે? આ વાત આ રીતે સમજો, તે કહે છે કે વેપાર શરૂ કરવાનું સૌથી મોટું આયોજન એ છે, કે કોઈ આયોજન જ ના હોય! બેસીને વિચારવા માટે સમય નથી. કદાચ આ જ કારણ છે કે જેક મા પોતાની કંપનીના વાર્ષિક કાર્યક્રમમાં સફેદ વાળમાં, ક્યારેક પોપ સિંગરનાં વેશમાં નજરે પડે છે તો ક્યારેક પોપ સ્ટારના લુકમાં. જેકના સહપાઠી કૈથી ઝાંગ તેમના પત્ની છે. જેક મા ચીન, એશિયા પછી હવે દુનિયામાં વ્યાપ્ત છે. એવા અનુમાનો પણ લગાવવામાં આવે છે કે તેઓ રાજનીતિમાં પણ ઝંપલાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter