જ્યોર્જિયામાં 18 લાખ વર્ષ જૂનો માનવ દાંત મળ્યો

Monday 19th September 2022 09:46 EDT
 
 

દમનિસી (જ્યોર્જિયા)ઃ એક સમયે રશિયાનો ભાગ એવા આજના જ્યોર્જિયામાંથી 18 લાખ વર્ષ જૂનો માનવ દાંત મળી આવ્યો છે. આફ્રિકન ઉપખંડની બહાર મળી આવેલો આ અત્યાર સુધીનો સૌથી પ્રાચીન માનવ અવશેષ છે. પુરાતત્વવિદ્દોનું માનવું છે કે આ દાંત હોમો ઈરેક્ટ્સ પ્રજાતિનો હોઈ શકે છે, જેને માનવજાતનો સૌથી નજીકનો પૂર્વજ માનવામાં આવે છે. બ્રિટિશ પુરાતત્વવિદ્દ વિદ્યાર્થી જેક પર્ટ દમનિસી નજીક આવેલા ઓરોઝમાની ગામની નજીક ઉત્ખનન કાર્ય કરતો હતો તે વેળા આ દાંત મળ્યો હતો. આ ઉત્ખનન દરમિયાન તે સમયના પ્રાણીઓના હાડકાં, પથ્થરના સાધનો વગેરે મળી આવ્યા છે.

ટીમના વૈજ્ઞાનિક અગ્રણી જ્યોર્જ બિડઝિનાસ્વિલીનું કહેવું છે કે દમનિસીમાં લગભગ 18 લાખ વર્ષ જૂની માનવ ખોપડી મળી આવી હતી, તેના આધારે પોતે માને છે કે આ દાંત પિતરાઈ ઝેઝવા અને એમ્જિયાના છે. 1990 અને 2000ના દાયકામાં મળી આવેલી માનવ ખોપડી 18 લાખ વર્ષ પહેલાંની હોવાનું પરીક્ષણમાં જાણવા મળ્યું છે. તેથી આ દાંતને પણ તેથી સાથે જોડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં અત્યાર સુધી મળી આવેલો સૌથી પ્રાચીન માનવ અવશેષ 28 લાખ વર્ષ જૂનો છે. આધુનિક ઈથિયોપિયામાંથી તે 28 લાખ વર્ષ જૂના માનવ અવશેષ મળી આવ્યા હતા. વૈજ્ઞાનિકો માને છે કે અગાઉના મનુષ્યો હોમો ઈરેક્ટ્સ મુખ્યત્વે શિકારી હતા. તેમણે લગભગ 20 લાખ વર્ષ પહેલાં આફ્રિકાની બહાર નીકળવાનો પ્રારંભ કર્યો હતો. આધુનિક ચીનમાં પણ 21 લાખ વર્ષ જૂના સાધનો મળી આવ્યા છે, પરંતુ આ જ્યોર્જિયન સાઈટ આફ્રિકાની બહાર માનવીએ બહાર માંડેલા પગરણની સૌથી જૂની સાઈટ છે. સંશોધકો સ્પેનમાં 1978થી એક પુરાતત્વીય સાઈટ પર કામ કરતા હતા, જ્યાં તેમને 2007માં 12 લાખ વર્ષ જૂનું અડધું જડબું મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter