અઝરબૈજાનઃ ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં આવેલા કંદોવન ગામની ગણતરી વિશ્વના સૌથી અનોખા અને સૌથી જૂના વસ્તીવાળા ગામોમાં થાય છે. આ ગામ જ્વાળામુખીના ખડકો કાપીને બનાવેલા તેનાં ઘરો માટે પ્રખ્યાત છે. આજે પણ લોકો તેમાં રહે છે. આ ઘરોની દિવાલો એટલી જાડી છે કે અહીંનું વાતાવરણ ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ રહે છે. 
આ નોખું - અનોખું ગામ લગભગ 7000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લોકો હુમલાઓથી બચવા માટે અહીં આવ્યા, અને પછી અહીં જ સ્થાયી થઇ ગયા છે. આજે લોકો અહીં બેથી ચાર માળના મકાનોમાં રહે છે. નીચેના માળે ઢોર બાંધવાની માટેની જગ્યા છે. આ ગામમાં મસ્જિદો, શાળાઓ, સ્નાનગૃહો, રેસ્ટોરાં અને હસ્તકલાની દુકાનો પણ છે.
વર્ષે ચાર લાખ પ્રવાસીઓ અહીં પહોંચે છે
કંદોવન ગામના ઘરો અંદરથી જ આગવો દેખાવ ખાસ છે એવું નથી. અહીં ઘણાં ઘર બહુમાળી છે. આ ઘરોમાં ભૂગર્ભ ઓરડાઓ પણ હોય છે જેનો ઉપયોગ અનાજ, પાણી અથવા ખાદ્ય પદાર્થો સંગ્રહવા માટે થાય છે. દર વર્ષે લગભગ 3-4 લાખ પ્રવાસીઓ આ ગામ જોવા માટે આવે છે.


