વોશિંગ્ટન: મોટો-મોટા ખગોળ નિષ્ણાતો પણ જે કામ નથી કરી શક્યા તે કામ ફક્ત 15 વર્ષના વિદ્યાર્થીએ કરી દેખાડતાં નિષ્ણાતો સહિત બધા દંગ થઇ ગયા છે. કેલિફોર્નિયાના 15 વર્ષના વિદ્યાર્થીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી નાનામોટા 15 લાખ ખગોળીય પિંડ શોધી કાઢ્યા છે. મોટા ગજાના ખગોળશાસ્ત્રીઓએ પણ સ્વીકાર્યું છે કે તેમના જીવનકાળમાં જે ન થઈ શકે તે કામ આ બાળકે એકલા હાથે કર્યું છે.
કેલિફોર્નિયા સ્થિત હાઇસ્કૂલના 15 વર્ષના વિદ્યાર્થીએ હજી સુધી ન જોયેલા 15 લાખ જેટલા ખગોળીય ઓબ્જેક્ટસ શોધી કાઢ્યા છે. એઆઈની મદદથી તેણે આ કામ કરી દેખાડ્યું છે. આ વિદ્યાર્થીનું નામ છે મેટિયો પાઝ. તેણે એઆઇની મદદથી વીઓવાઇઝ મિશનના ડેટાનું વિશ્લેષણ કરીને 15 લાખ બ્રહ્માંડીય વસ્તુઓ શોધી કાઢી છે. હજી સુધી નહીં ઓળખાયેલા આ પદાર્થો છે. ‘નાસા’ના ડિરેક્ટર જૈરેડ આઈજેકમેને આ ટીનેજરની જાહેરમાં પ્રશંસા કરતાં પાઝને ‘નાસા’માં જોબની ઓફર કરી છે. સાથોસાથ જ તેમણે પાઝને વિમાન પ્રવાસનો ખર્ચ આપવાનું વચન આપતા કહ્યું હતું કે તેણે ફાયટર જેટ દ્વારા આવવું જોઇએ. મેટિયોનો પ્રોજેક્ટ કેલટેન્કની પ્લાનેટ-ફાઈન્ડર એકેડમીમાં શરૂ થયો. આ માટે તેણે ખગોળશાસ્ત્રી ડેવી કર્કપેટ્રિક સાથે કામ કર્યું હતું. કેલિફોર્નિયાની પાસાડેનાની એક સેકન્ડરી સ્કૂલના આ વિદ્યાર્થીને કર્કપેટ્રિકનાં ગાઈડન્સથી ઘણો લાભ થયો છે. તેથી જ તેનો આ પ્રોજેક્ટ સફળ થયો હોવાનું તેનું કહેવું છે.
મેટિયોએ જાતે જ એક વિશિષ્ટ મશીનની સંશોધન પ્રણાલી વિકસાવી હતી અને તેના નિયોવાઈઝ આર્કાઇવ્ઝ દ્વારા આશરે 200 મિલિયન ઈન્ફ્રારેડ ડેટા પોઇન્ટસનું વિશ્લેષણ કર્યું. પરંપરાગત સાધનો દ્વારા તો સૂક્ષ્મ સંકેતો નજરે પડે નહીં, પરંતુ પાઝે એઆઈ મોડેલ દ્વારા તેને ઓળખી કાઢ્યા છે.


