એન્ટવર્પઃ ટેનિસ બોલનો ઉપયોગ હવે માત્ર રમતગમત પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ તેનો ઉપયોગ ફર્નિચરમાં પણ થઈ રહ્યો છે. બેલ્જિયમના ડિઝાઈનર મેથિલ્ડ વિટોક જૂના ટેનિસ બોલમાંથી ખુરશીઓ અને બેન્ચ બનાવવા માટે જાણીતા છે. આ પદ્ધતિ માત્ર અનોખી નહીં જ, પરંતુ પર્યાવરણને પણ અનુકૂળ છે. વિટોકના ફર્નિચરમાં માત્ર ટેનિસ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તેને એક ખુરશી બનાવવામાં લગભગ 3-4 અઠવાડિયા લાગે છે, જે તે આશરે 2.4 લાખ રૂપિયામાં વેચે છે. ફર્નિચરની વિશેષતા એ છે કે આ ટેનિસ બોલને ગુંદર વગર જોડવામાં તો આવ્યા છે, પરંતુ તેને સરળતાથી અલગ પણ કરી શકાય છે.
વર્ષે 30 કરોડ ટેનિસ બોલનું ઉત્પાદન
વિટોકના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં દર વર્ષે લગભગ 30 કરોડ ટેનિસ બોલ બનાવવામાં આવે છે. યુએસ ઓપનમાં દર વર્ષે 70,000 અને વિમ્બલ્ડનમાં દર વર્ષે 55,000 બોલનો ઉપયોગ થાય છે. આ બોલને નાશ કરવામાં 400 વર્ષ જેટલો સમય લાગી શકે છે.