ટેરિફ વોરના તણાવ વચ્ચે ટ્રમ્પ અને કાર્ની વચ્ચે પહેલી વખત ચર્ચા

Friday 04th April 2025 04:36 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા અને કેનેડા વચ્ચે ટેરિફ વોરના મંડાણ થયા તે પછી પ્રથમ વાર રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના નવનિયુક્ત વડાપ્રધાન માર્ક કાર્ની સાથે ફોન પર વાત કરી હતી. કાર્ની સાથેની વાતચીતને ટ્રમ્પે અત્યંત રચનાત્મક ગણાવી હતી. કાર્નીના જણાવ્યાં અનુસાર, વાતચીત દરમિયાન ટ્રમ્પે કેનેડાના સાર્વભૌમત્વનું સન્માન જાળવ્યું હતું. જોકે બંને દેશોના સંબંધોમાં પરિવર્તન આવી ગયું હોવાનું કાર્નીએ જણાવ્યું હતું.
ટ્રમ્પે હજી વધુ ટેરિફ લદાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કાર્નીએ પણ જણાવ્યું હતું કે, ટ્રમ્પે સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઉત્પાદનો પરની ટેરિફ પાછી ખેંચવા અંગે કોઈ વાત નહોતી કરી. કાર્નીએ વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકા હવે અમારું વિશ્વસનીય ભાગીદાર નથી રહ્યું.
બીજી તરફ, ટ્રમ્પે આ વાતચીત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, માર્કે મને ફોન કર્યો હતો. અમારા બંને વચ્ચેની ચર્ચા સારી રહી હતી. તેઓ હાલ ચૂંટણીની તૈયારીઓમાં છે. જોકે ટ્રમ્પે વડાપ્રધાન કાર્નીને, ટ્રુડોની જેમ ગવર્નર તરીકે નહોતા સંબોધ્યાં. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે ઘણી બધી બાબતોમાં સહમતી સધાઈ છે. કેનેડાને અમેરિકાનું 51મુ રાજ્ય બનાવવાના ટ્રમ્પના મનસુબાને પગલે બંને દેશો વચ્ચે વધેલાં તણાવના માહોલમાં થયેલી આ વાતચીતથી ટેરિફ વોરનું સુખદ સમાધાન આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter