ટોક્યોમાં વિશ્વની પ્રથમ ડ્રાઇવરલેસ ટેકસી સેવા શરૂ

Saturday 08th September 2018 07:46 EDT
 
 

ટોક્યોઃ વિશ્વમાં પ્રથમ ડ્રાઇવરલેસ ટેક્સી ટોક્યોના માર્ગ પર દોડતી થઈ છે. જાપાનની રોબોટ-મેકર જેએમપી અને ટેક્સી ઓપરેટીંગ કંપની હિનોમોરૂ કોત્સુએ સાથે મળીને આ રોબોકાર મિનીવેન સર્વિસ શરૂ કરી છે. શરૂઆતમાં તેના માટે ૫.૩ કિમીનો રૂટ ફાળવવામાં આવ્યો છે. ટેક્સીમાં મુસાફરી માટે ઓનલાઈન રિઝર્વેશન કરવું પડે છે, જેનું ભાડું ૧૫૦૦ યેન (આશરે ૧૦.૫ પાઉન્ડ) છે. મુસાફરીનો પ્રારંભ કરવા માટે સ્માર્ટફોન એપનો ઉપયોગ કરવો પડે છે. એપ વડે કારનો દરવાજો ખુલે છે અને તેના મારફત જ પેમેન્ટ થશે. જાપાનમાં ૨૦૨૦માં ઓલિમ્પિક યોજાવાની છે, જેના પહેલાં કંપની આ પ્રોજેક્ટનું સંપૂર્ણ કોમર્શિયલ સંચાલન શરૂ કરી દેશે. આ કારમાં સફર કરનારાના મુસાફરો ઉત્સાહપૂર્વક જણાવે છે કે, ટેક્સી ખૂબ જ સરળતાથી લેન બદલે છે. આપણને જાણ જ નથી થતી કે, આપણે ઓટોનોમસ કારમાં બેઠા છીએ.

વર્ષના અંતે અમેરિકામાં

ગુગલની સહયોગી કંપની વાયમો અને એપ આધારિત ટેક્સી સર્વિસ ઉબરે માર્ચમાં અમેરિકાના અનેક શહેરોમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારનું સફળ ટેસ્ટીંગ કર્યું હતું. જોકે આ પરીક્ષણ પછી ઉબેરે યોજના મોકૂફ રાખી છે. એરિઝોનામાં ટેસ્ટીંગ દરમિયાન ઉબરની કારે રાહદારીને અડફેટે લીધો હતો. ટેક્નોલોજીમાં સુધારા પર કામ કરી રહી છે. બીજી તરફ, જર્મન કાર નિર્માતા ડેમલરે ઓટોમોટીવ એન્જિનિયરિંગ કંપની બોશ સાથે મળીને અમેરિકાના કેલિફોર્નિયામાં આગામી વર્ષ સુધીમાં સર્વિસ શરૂ કરવા કામગીરી હાથ ધરી છે.
આ ઉપરાંત દીદી ચક્સિંગ નામની કંપની ચીનના વ્યસ્ત માર્ગો પર સેલ્ફ ડ્રાઇવિંગ કાર ટેસ્ટ કરી રહી છે. ચીનની બાઈડુ સોફટ બેન્કની સહયોગી કંપની સાથે ૨૦૧૯ સુધી સર્વિસ શરૂ કરવા તત્પર છે. બીજી તરફ, અગ્રણી કંપની એપલ પણ સેલ્ફ ડ્રાઇવિંગ કાર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને આ માટે ટેક્નોલોજી વિકસાવવા પ્રયત્નશીલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter