ટોરોન્ટોઃ શહેરમાં યોજાયેલી ભારતવિરોધી રેલીની ઘટનાએ હલચલ મચાવી છે. આ પરેડમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માગ કરી છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ પ્રવાસી સમુદાયોને નિશાન બનાવીને કટ્ટરપંથી અને નફરતભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના તાજેતરમાં સંપન્ન થયેલી કેનેડાની સામાન્ય ચૂંટણીના થોડા દિવસો પછી જ બની છે, જેમાં માર્ક કાર્નીની લિબરલ પાર્ટીનો વિજય થયો હતો. એપ્રિલની શરૂઆતમાં જ, બ્રિટિશ કોલંબિયાના સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરને ખાલિસ્તાનીઓએ ત્રીજી વખત નિશાન બનાવ્યું હતું. તેમાં મંદિરની દિવાલો પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા લખાયા હતા અને સીસીટીવી કેમેરા પણ ચોરી ગયા હતા. હિન્દુ સમુદાયે પોલીસતંત્રની નિષ્ક્રિયતા પર રોષ વ્યક્ત કર્યો છે.