ટોરોન્ટો: કેનેડાના થિયેટરોમાં હિન્દી ફિલ્મ જોઈ રહેલાં દર્શકો પર કેટલાક બુકાનીધારીઓએ સ્પ્રેનો છંટકાવ કરીને દહેશત ફેલાવી હતી. પોલીસે સુરક્ષાના કારણોસર થિયેટરો ખાલી કરાવ્યા હતા. અચાનક બુકાનીધારીઓને જોઈને થિયેટરમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી. આ શખસોએ ટોરોન્ટો વિસ્તારના ત્રણ થિયેટરને નિશાન બનાવ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના ત્રણ થિયેટરોમાં બુકાનીધારીઓએ શંકાસ્પદ સ્પ્રેનો છંટકાવ કર્યો હતો. આ ત્રણેય થિયેટરોમાં હિન્દી ફિલ્મો ચાલતી હતી બરાબર એ જ વખતે બુકાનીધારીઓએ થિયેટરમાં પ્રવેશીને સ્પ્રે છાંટવાનું શરૂ કર્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે ટીઅરગેસ જેવા કોઈ ગેસનો છંટકાવ થયો હતો. તેનાથી થિયેટરમાં હાજર લોકોને ઉધરસ આવવાનું શરૂ થયું હતું. તો કેટલાકને શ્વાસની તકલીફ થઈ હતી. આ ઘટનાથી થિયેટરોમાં ભાગદોડ અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ત્રણેય થિયેટરોમાં સ્પ્રેનો છંટકાવ થયો ત્યારે લગભગ 200 જેટલાં લોકો હતા. ને લગભગ બધા જ ભારતીય મૂળના નાગરિકો હતા. પોલીસે તુરંત સુરક્ષાના કારણથી થિયેટરો ખાલી કરાવ્યા હતા અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું એ અશ્વેત હતા. એની ઓળખની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરાઇ ન હોવાથી ભારતીય સમાજમાં આક્રોશ પ્રવર્તે છે.