વોશિંગ્ટન, બેઇજિંગઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનની ત્રણ દિવસીય બહુચર્ચિત મુલાકાતનું શુક્રવારે સમાપન થયું છે. આ મુલાકાત-મંત્રણાને ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ટ્રમ્પે ઐતિહાસિક અને સિમાચિહ્નરૂપ તો ગણાવ્યા છે, પરંતુ પૂર્વધારણા અનુસાર કોઈ ડીલ કે મહત્ત્વની જાહેરાત થઈ નથી. આ જોતાં ટ્રમ્પ માટે ચીનનો પ્રવાસ હીરો ઘોઘે જઇ આવ્યો ને ડેલીએ હાથ દઇ આવ્યા જેવો સાબિત થયો છે.
જોકે ચીન પ્રવાસેથી પરત ફરેલા ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીન સાથે મહત્ત્વપૂર્ણ ટ્રેડ ડીલ્સ કરાઇ છે. તેમાં અમેરિકન કંપની બોઇંગ પાસેથી ચીન દ્વારા 200 વિમાનોની ખરીદી, બીજા 750 વિમાનોની ખરીદીનું વચન અને અમેરિકાના કૃષિ ક્ષેત્રને પણ લાભ થાય તેવી સમજૂતી સામેલ છે. ટ્રમ્પે ચીનના પ્રમુખ સાથેની મંત્રણાને ‘બે મહાન દેશો’ (G-2)ના નેતાઓ વચ્ચેની બેઠક ગણાવી હતી. શુક્રવારે મેરીલેન્ડમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર પહોંચ્યા પછી ટ્રમ્પે આ દાવા કર્યા હતા. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ બે મહાન દેશો છે. હું તેને G-2 કહું છું. આ G-2 છે. મને લાગે છે કે તે ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ તરીકે યાદ રહેશે.
શ્રેણીબદ્ધ બેઠકો, પણ કોઇ નક્કર જાહેરાત નહીં
બંને પ્રમુખોએ ઈરાન યુદ્ધ, દ્વિપક્ષી વેપાર ટકરાવ સહિત વ્યાપક વિષયો પર વિવિધ તબક્કામાં વાટાઘાટો યોજી હતી. બેઈજિંગમાં બંને વચ્ચે ગોપનીય બેઠક સાથે વાટાઘાટોનું સમાપન થયું હતું. કોઇ મહત્ત્વની જાહેરાત ન થવા છતાં ટ્રમ્પે ચીન મુલાકાતને અત્યંત સફળ અને અવિસ્મરણીય ગણાવતા કહ્યું હતું કે, આ મુલાકાતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચેલું છે. બંને દેશ સંખ્યાબંધ બાબતો પર સંમત થયા છે તથા અનેક ડીલ થઈ છે. જિનપિંગ જૂના મિત્ર છે અને તેમના માટે ઘણો આદર છે. ચીન-યુએસના સંબંધો મહત્ત્વના છે અને આ સંબંધો સતત સુધરતા રહેશે તેવો વિશ્વાસ છે. જિનપિંગ સાથે નિષ્ઠાપૂર્વક ગહન વાટાઘાટો કરવાની ઈચ્છા છે અને જિનપિંગને વોશિંગ્ટનમાં આવકારવા આતુર છું.
બીજી તરફ, જિનપિંગે ટ્રમ્પ સાથેની આ મુલાકાતને ઐતિહાસિક અને સિમાચિહ્નરૂપ ગણાવતા બંને દેશના નવા વિઝનની વાત કરી હતી, જેમાં વ્યૂહાત્મક સ્થિરતા સાથે ચીન-યુએસ વચ્ચે રચનાત્મક સંબંધો સંબંધો બાંધવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. જિનપિંગે કહ્યું હતું કે, મેક અમેરિકા ગ્રેટ અગેઈનના ઉદ્દેશને સાકાર કરવાની ટ્રમ્પની ઈચ્છા છે અને હું ચીનના નાગરિકોને રાષ્ટ્રના ભવ્ય ઉત્થાન તરફ દોરી જવા માગુ છું. વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે રચનાત્મક અને સ્થિર સંબંધોનો માહોલ ઊભો થયો છે.
અમેરિકા તાઈવાનને શસ્ત્રો આપવાનું ટાળી શકે
ચીને વાટાઘાટો દરમિયાન તાઈવાનને ચીનના પ્રદેશ તરીકે સ્વીકારવાની માગણી કરવા ઉપરાંત તેને અમેરિકા તરફથી હથિયારો નહીં આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તાઈવાનને હથિયાર આપવાથી સંબંધો વણસવાની ચીમકી જિનિપંગે આપેલી હતી.
આ બાબતે ટ્રમ્પે કહ્યું હતું કે, તાઈવાનને હથિયારો આપવાની ડીલમાં આગળ વધવા બાબતે હજુ નિર્ણય લેવાયો નથી, પરંતુ આ વિષયે દૃઢ નિર્ણય લેવાશે.
ટ્રમ્પની ચાપલૂસીથી દુનિયા દંગ
હજુ હમણાં સુધી ચીનને ટેરિફની ધમકી આપતા રહેલા અને કોવિડ-19 વાઇરસને ‘ચાઇનીઝ વાઇરસ’ કહી ચૂકેલા ટ્રમ્પે બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે જિનપિંગને ‘મહાન દેશના મહાન નેતા’ કહ્યા હતા, દોસ્ત ગણાવ્યા હતા. તેમણે જિનપિંગ વતી એમ પણ જાહેર કરી દીધું કે ચીનના રાષ્ટ્રપ્રમુખ 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસની મુલાકાતે આવશે. જિનપિંગ પર ઓળઘોળ થઇ ગયેલા ટ્રમ્પે જણાવ્યું કે, ‘તમે એક મહાન નેતા છો. હું બધાને આ વાત કહું છું. કેટલાક લોકોને તે પસંદ નથી, છતાં હું આમ કહીશ કેમ કે આ સાચું છે.’


