ટ્રમ્પ સરકાર દ્વારા એચવન બી વિઝાના નિયમો વધુ કડકઃ આઈટી કંપનીઓને માઠી અસરની સંભાવના

Thursday 01st March 2018 06:37 EST
 
 

વોશિંગ્ટનઃ ટ્રમ્પ વહીવટીતંત્રે એચ-વનબી વિઝા માટે નવી કડક નીતિની જાહેરાત કરી છે. નવી નીતિને પગલે એક કે વધુ થર્ડ પાર્ટી કામના સ્થળો માટે નોકરીમાં રાખવા માટે એચ-વન બી વિઝા ઈશ્યૂ કરવાની પ્રક્રિયાને વધુ કડક બનાવાઈ છે કે જેને કારણે ભારતીય કંપનીઓ અને તેમના કામદારો પર ભારે અસર પડશે.

નવી નીતિ હેઠળ નોકરીદાતા કંપનીએ સાબિત કરવું પડશે કે થર્ડ પાર્ટી વર્કપ્લેસ પર ખાસ કામગીરી માટે કામદારને રોજગાર આપવામાં આવ્યો છે. એચ-વન બી વિઝા કાર્યક્રમ હેઠળ કંપનીઓ જે ક્ષેત્રમાં ક્વોલિફાઈડ અમેરિકી કામદારની અછત હોય તેવા ક્ષેત્રમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશી વ્યવસાયીને કામ આપવા હંગામી સમય માટે અમેરિકી વિઝા આપવામાં આવે છે.

ભારતીય આઈટી કંપનીઓ અત્યાર સુધી એચ વન બી વિઝાનો મહત્તમ ઉપયોગ કરતી હતી. આ ભારતીય કંપનીઓ થર્ડ પાર્ટી વર્કસાઈટમાં સારી એવી સંખ્યામાં પોતાના કર્મચારીઓ માટે આ વિઝાનો ઉપયોગ કરતી રહી હતી. અમેરિકી બેન્કિંગ, ટ્રાવેલ અને વાણિજ્ય સેવાઓ ભારતીય આઈટી કામદારો અને તેમના દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાથી સંચાલિત રહે છે.

પરંતુ તાજેતરમાં બહાર પડેલો સાત પાનાનો નીતિ વિષયક દસ્તાવેજ અમેરિકી સિટીઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝને એવી સત્તા હાંસલ થશે કે થર્ડ પાર્ટી વર્કસાઈટમાં તે કામદારને કામ કરવાનું હોય તે સમયમર્યાદા માટે કામદારને એચ-વન બી વિઝા ઇશ્યૂ કરી શકશે. તેને પરિણામે ત્રણ વર્ષથી ઓછી મુદત માટે એચ- વન બી વિઝા આપવાના રહેશે. તેને પગલે ત્રણ વર્ષની મુદત માટે એચ – વન બી વિઝા આપવાની પરંપરા પણ બદલાશે.

એચ – વન બી વિઝા ફાઈલિંગ સિઝન શરૂ થવાની છે તે પહેલાં જ નવા નિયમો અમલી બન્યા છે. નવા નિયમો એચ – વન બી વિઝા એક્સ્ટેન્શન પ્રક્રિયાને પણ વધુ જટિલ બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter