વોશિંગ્ટનઃ ટ્રમ્પ વહિવટી તંત્રે નવા પગલામાં H1-B અને H-4 વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવાની જોગવાઇ લાગુ થઇ છે તેવા સમયે જ વિદેશ વિભાગે નવા નિર્ણયની જાણ કરતો મેઇલ મોકલતાં H1-B અને H-4 વિઝાધારકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તાજેતરમાં અનેક H1-B અને H-4 વિઝાધારકને યુએસ કોન્સ્યુલેટ્સ તરફથી ઇ-મેઇલ મળ્યા છે. જેમાં જણાવાયું છે કે તેમના વિઝાને કામચલાઉ ધોરણએ રદ કરાયા છે. આથી સંખ્યાબંધ વિઝાધારકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. જોકે ઇ-મેઇલ્સમાં જણાવાયું છે કે જે વિઝાધારક અમેરિકા બહાર હશે તેના પર તાત્કાલિક અસરથી આ નિયમ લાગુ પડશે. જ્યારે દેશની અંદર હશે તેના પર આ નિયમ તે અમેરિકા છોડશે નહીં ત્યાં સુધી લાગુ પડશે નહીં. એક વખત તે દેશ બહાર જશે તો આ વિઝાથી અમેરિકામાં પ્રવેશી નહીં શકે.
હજારો અરજદારોના ઇન્ટરવ્યુ મોકૂફ
ચાલુ મહિનાનાં અંતે ભારતમાં થનારા હજારો H-1B અરજદારોનાં પૂર્વનિર્ધારિત ઇન્ટરવ્યુ અચાનક મુલતવી રખાયા છે. અરજદારોની સોશિયલ મીડિયા પોસ્ટ - ઓનલાઇન પ્રોફાઇલ તપાસવા ઇન્ટરવ્યુ મોકૂફ રખાયાનું મનાય છે. આગામી સપ્તાહમાં ઇન્ટરવ્યુ હતાં તેમને ઇમિગ્રેશન વિભાગે ઇમેલથી જણાવ્યું છે કે તેમના ઇન્ટરવ્યુ આગામી વર્ષે મે સુધી મોકૂફ રખાયા છે. H-1B વિઝા અરજદારોના નિર્ધારિત ઇન્ટરવ્યુ કેન્સલ થવાથી તેમને અમેરિકા પરત ફરવામાં વિલંબ થશે. જે અરજદારોને 15 ડિસેમ્બર કે તેના પછી ઇન્ટરવ્યુ તારીખ અપાઇ હતી તેમના ઇન્ટરવ્યુ રિશિડયુલ થયા છે. તેમાંથી મોટા ભાગના અગાઉથી ભારતમાં હતાં. આવા અરજદારો હવે અમેરિકા જઇ શકે તેમ નથી કારણ કે તેમની પાસે માન્ય H-1B વિઝા નથી.
H1-B વીઝા ફી વિરુદ્વ 19 રાજ્યોએ કેસ કર્યો
યુએસના 19 રાજ્યોએ નવા H-1B વિઝા માટે અંદાજે રૂ. 83 લાખ ફી વસૂલવાના ટ્રમ્પ તંત્રના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. આ રાજ્યો ડેમોક્રેટિક શાસિત છે. રાજ્યોના મતે આ નિર્ણય ગેરકાયદે છે. તેથી આરોગ્ય, શિક્ષણ, ટેક્નોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રે પ્રોફેશનલ્સની વધુ ઘટ સર્જાશે. ન્યૂ યોર્કના એટર્ની જનરલે અન્ય 18 રાજ્યોના એટર્ની જનરલ્સ સાથે મળીને મેસેચ્યુસેટ્સની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ કર્યો છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પ તંત્રે કાનૂની પ્રક્રિયાને અનુસર્યા વગર ફીસમાં જંગી વધારો કર્યો છે. તેમાં ન્યૂ યોર્ક ઉપરાંત એરિઝોના, કેલિફોર્નિયા, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલાવેર, હવાઈ, ઈલિનોઈ, મેરીલેન્ડ, મેસેચ્યુસેટ્સ, મિશિગન, મિનેસોટા, નોર્થ કેરોલિના, ઓરેગન, રોડ આઇલેન્ડ, વરમોટ, વોશિંગ્ટન અને વિસ્કોન્સિન સામેલ છે.


