ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયાનો પ્રારંભ ૯ ફેબ્રુઆરીથી

Monday 25th January 2021 11:47 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ સામે અમેરિકી સંસદના ઉપલા ગૃહ - સેનેટમાં મહાભિયોગની પ્રક્રિયાનો પ્રારંભ ૯મી ફેબ્રુઆરીથી કરાશે.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે ટ્રમ્પના મહાભિયોગ પર મહોર મારી દીધી છે અને હવે ડેમોક્રેટની બહુમતી ધરાવતી સેનેટમાં તેમની સામે કાર્યવાહી ચાલશે. સેનેટ દ્વારા ટ્રમ્પને દોષી ઠેરવવા માટેની સુનાવણીમાં ઇમ્પિચમેન્ટ મેનેજરો અને સાંસદોની પસંદગી સત્વરે કરાશે. ૧૦૦ સેનેટર જ્યૂરીની ભૂમિકામાં રહેશે.
‘સંસદ પર હુમલો ભુલાશે નહીં’
અમેરિકી સેનેટમાં ડેમોક્રેટ નેતા ચક સ્કૂમરે જણાવ્યું હતું કે, ૬ જાન્યુઆરીએ અમેરિકી સંસદ પર હુમલા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ટોળાની કરેલી ઉશ્કેરણીને અમે ક્યારેય ભૂલી શકવાના નથી. આપણે અમેરિકાના ઇતિહાસમાં આ અત્યંત દુઃખદાયક પ્રકરણને પાછળ છોડી દેવા ઇચ્છીએ છીએ, પરંતુ સત્ય અને જવાબદારી હશે તો જ એકતા સાધી શકાશે. આ માટે ટ્રમ્પ સામે મહાભિયોગ અત્યંત જરૂરી છે.
આ વખતે રિપબલ્કિન સાંસદો ટ્રમ્પને માફ કરવાના મૂડમાં નથી. રિપબ્લિકન નેતાઓ ટ્રમ્પ સામે મહાભિયોગ દ્વારા પાર્ટીમાં તેમણે ફેલાવેલા ધિક્કારના પ્રભાવને ઓછો કરવા માગે છે. રિપબ્લિકન સાંસદ મિચ મેકકોનેલે જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે ટ્રમ્પ સામે કાર્યવાહી થાય. ટ્રમ્પ સામેની કાર્યવાહી તેમના રાજકીય અને અમેરિકી સેનેટના પણ હિતમાં છે. સેનેટમાં ટ્રમ્પ સામેની મહાભિયોગની કાર્યવાહીની તરફેણમાં ઓછામાં ઓછા ૧૭ રિપબ્લિકન સાંસદો મતદાન કરે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter