નવી દિલ્હી: દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાના 303 બિલિયન બેરલ ઓઇલનો ભંડાર જોઈને અમેરિકન પ્રમુખ ટ્રમ્પની દાઢ સળકતા છેવટે તેણે તેના પર હુમલો કર્યો અને તેના પ્રમુખને ઉઠાવી ગયા. વેનેઝુએલાનો ઓઈલ ભંડાર વિશ્વના ઓઇલ ભંડારનો પાંચમો હિસ્સો છે. તેનો આ ઓઈલ ભંડાર ઈરાક કરતાં પણ વધારે છે. હવે આ ભંડાર કબ્જે કરવા અમેરિકા બધું જ કરી છૂટે તે સ્વાભાવિક છે.
અમેરિકાના હુમલાના પગલે ટ્રમ્પને જૂનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે કહેતા હતા કે નિકોલસ માદુરોએ અમેરિકાનું ઓઇલ બંધ કર્યું છે. અમેરિકન કંપનીઓને હાંકી કાઢી છે. અમેરિકાને તેનું ઓઈલ અને અમેરિકન કંપનીઓને તેનો હક્ક જોઈએ છે. વેનેઝુએલા એવો દેશ છે જે અમેરિકાની ઘણો નજીક છે. તેના કારણે ત્યાંથી ઓઈલ ખરીદવું અમેરિકા માટે ઘણું સસ્તુ પડે તેમ છે. અમેરિકા કોઈપણ દેશ કરતાં વધુ ઓઈલ ઉત્પાદન કરે છે, આમ છતાં પણ તેને બીજા દેશો પાસેથી ઓઇલ ખરીદવાની જરૂર પડે છે. તેમાં પણ તેને ખાસ કરીને વેનેઝુએલાના કાચા ઓઈલની ખાસ જરૂર હોય છે. તેનું એક કારણ પણ છે.
અમેરિકા પાસે લાઈટ સ્વીટ ક્રૂડ ઓઈલનો ભંડાર છે. તેનાથી ફક્ત સારા ગેસોલીનનું જ ઉત્પાદન થઈ શકે છે. આ સિવાય બીજી કોઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ઉત્પાદન થઈ શકતું નથી.
બીજી બાજુએ વેનેઝુએલા પાસે ભારે અને કાચા તેલનો ભંડાર છે. તેના પર પ્રોસેસિંગ કરીને કેટલાય ઉત્પાદનો બનાવી શકાય છે. તેમાં સૌથી મહત્ત્વનું ડીઝલ છે. આ ઉપરાંત ભારે ઉપકરણો માટે ઈધણ પણ નીકળે છે. દાયકાઓ સુધી અમેરિકા વર્તમાન સમયની તુલનામાં વેનેઝુએલાના ઓઈલ પર વધુ પ્રમાણમાં આધારિત હતું. તેના કારણે અમેરિકાને ત્યાંથી સસ્તામાં ઓઇલ મળે છે. વેનેઝુએલાના કાચા તેલની બનાવટમાં ઘનતા વધારે છે અને તે એકદમ ચીકણું હોય છે.
પ્રાઈસ ફ્યુચર્સ ગ્રુપના બજાર વિશ્લેષક ફિલ ફ્લિનના મતે મોટાભાગની અમેરિકી રિફાઈનરી વેનઝુએલાનું હેવી ક્રૂડ રિફાઈન કરવા બનાવાઈ છે. આ રિફાઈનરીમાં વેનેઝુએલાના તેલનો ઉપયોગ અમેરિકાના તેલ કરતાં પણ વધુ પ્રમાણમાં થતો હતો. તેથી અમેરિકન કંપનીઓને વેનેઝુએલાના કાચા ઓઈલની વધુ જરૂર પડે છે. તેની પૂરેપૂરી સિસ્ટમ તેના પર નિર્ભર છે. આ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવામાં અબજો ડોલર લાગેલા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ જ કારણ છે કે જેટલી પણ અમેરિકન રિફાઈનરી કંપનીઓ છે, તેનો સરકાર પર દબાવ રહે છે. તેથી જ અમેરિકાને વેનેઝુએલાના ઓઈલ ભંડાર પર અંકુશ જોઈએ છે.


