વોશિંગ્ટન: પ્રમુખ ટ્રમ્પ દ્વારા વધુ એક આક્રમક પગલું લઈને 12 દેશનાં નાગરિકો પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો છે જ્યારે 7દેશનાં નાગરિકો પર આંશિક કડક નિયંત્રણો લાદયા છે. નવા નિયંત્રણો 9મી જૂનને સોમવારે બપોરે 12 કલાકથી લાગુ થઇ ગયા છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની સુરક્ષા તેમજ લોકોનાં જીવનું રક્ષણ કરવા માટે આ પગલું લેવાની અમને ફરજ પડી છે. અમે ખતરનાક લોકોથી દેશને બચાવી રહ્યા છીએ. નવા પ્રતિબંધો ઈમિગ્રેશન અને નોન ઈમિગ્રેશન એમ બંને પ્રકારનાં વિઝાને લાગુ પડશે. ટ્રમ્પે આ અગાઉ 2017માં 7મુસ્લિમ દેશનાં નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
કયા 12 દેશ પર સંપૂર્ણ પ્રતિબંધઃ જે 12 દેશનાં નાગરિકો પર સંપૂર્ણ પ્રવેશ પ્રતિબંધ મૂકાયો છે તેમાં અફઘાનિસ્તાન, ઈરાન, લીબિયા, સોમાલિયા, સુદાન, યમન, ચાડ, કોંગો રિપબ્લિક, મ્યાંમાર, ઈકવેટોરિયલ ગિની, ઈરિટ્રિયા અને હૈતીનો સમાવેશ થાય છે.
ક્યા 7 દેશ પર આંશિક પ્રતિબંધઃ બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સિએરા લિયોન, ટોંગો, તુર્કમેનિસ્તાન તેમજ વેનેઝુએલાનો સમાવેશ થાય છે. આ દેશના નાગરિકો પર કડક વિઝા નિયમનો, તેમજ કડક સુરક્ષા તપાસ અને પ્રવેશ માટે નક્કી કરાયેલી સીમાનાં ધોરણો લાગુ કરાશે.