વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલા પર કબજો જમાવ્યા બાદ હવે શાંત બેસે તે મૂડમાં નથી. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાના પડોશી દેશો ક્યુબા, મેક્સિકો અને દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયાના નેતાઓના હાલ પણ નિકોલસ માદુરો જેવા થઈ શકે છે. આ તમામ દેશો અમેરિકા માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. મેક્સિકો સામે આક્રમક બનેલા ટ્રમ્પે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે ત્યાં ક્લાઉડિયા શિનબામ નહીં, પરંતુ ડ્રગ માફિયાઓ સત્તા ચલાવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ અનેકવાર શિનબામને ચેતવણી આપી ચૂક્યા છે. ક્યુબામાં લોકશાહી નથી. અમેરિકા ઘણી વખત ત્યાંના લોકોના અધિકારોના પક્ષમાં અવાજ ઉઠાવી ચૂક્યું છે. પ્રમુખ ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, વેનેઝુએલાના પક્ષમાં અવાજ ઉઠાવનારા કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવ પેટ્રો અમેરિકામાં કોકેઈન મોકલી રહ્યા છે.


