રોમઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેનો તું ખીંચ મેરી ફોટોનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. મેલોનીએ આ વિવાદમાં ટ્રમ્પની તેના અંગેની ચિંતાને લઈને ટ્રમ્પને રોકડું પરખાવ્યું હતું કે ‘તે મારી લોકપ્રિયતાની ચિંતા ન કરે, પોતાનું સંભાળે. ટ્રમ્પ ખરેખર બિનજરૂરી ઉશ્કેરણી કરી રહ્યા છે અને અનાવશ્યક વિવાદ સર્જી રહ્યા છે. મારી લોકપ્રિયતાનો આધાર ઇટાલીના રાષ્ટ્રીય હિતનું કેટલા હદ સુધી રક્ષણ કરી શકું છું તેના પર છે. આ હું હંમેશા કરતી આવી છું,’ એમ મેલોનીએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેલોની તાજેતરમાં જ ફ્રાન્સમાં થયેલી જી-7સમિટમાં મળ્યા હતા. સમિટ પૂરી થયા પછી ટ્રમ્પ અને મેલોની વચ્ચે ફોટો ખેંચવાને લઈને વિવાદ સર્જાયો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇટાલીની વડાપ્રધાન મેલોનીએ તેમની સાથે મિટીંગ કરવા અને ફોટો ખેંચાવવા માટે આજીજી કરી હતી આથી બેઠક યોજી હતી.
ટ્રમ્પના આ નિવેદનથી ભડકેલાં મેલોનીએ 19 જૂનના રોજ સોશિયલ મીડિયા પર વીડિયો જારી કરી ટ્રમ્પના બધા જ દાવાને ફગાવી દીધા અને જણાવ્યું હતું કે ન મેં અને ન ઇટાલીએ ક્યારેય કોઈની સમક્ષ ભીખ માંગી નથી.
ટ્રમ્પે આ મામલાને લઈને ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મેલોની ફરીથી તેમની સાથે દોસ્તી કરવા માંગે છે. ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે અગાઉ મેલોનીએ તેમની પાસે તસ્વીર ખેંચાવવા આજીજી કરી હતી. ઈટાલીમાં તેમની લોકપ્રિયતા ઘટી ગઈ છે. તેથી હવે ઈરાનને પરમાણુ શસ્ત્રો હાંસલ કરતાં રોકવાની વાત આવી તો તેમણે અમેરિકાનો સાથ ન આપ્યો, જોકે નાટોએ પણ તેવું જ કર્યું. અમેરિકાને ઇટાલીમાં લેન્ડિંગ સ્ટ્રિપ્સ કે રનવેનો ઉપયોગ કરવા ન દીધો, તેનાથી ઘણી મોટી લોજિસ્ટિકલ તકલીફ સર્જાઈ, હવે અમેરિકાએ ઈરાનને હરાવી દીધું છે ત્યારે તે પોતાની લોકપ્રિયતા વધારવા મારી સાથે દોસ્તી કરવા માંગે છે.


