વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત અને રશિયા પર ટેરિફની તલવાર લટકાવી છે. ટ્રમ્પે રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લાદતા બિલ પર સહી કરતા હવે તેમના માટે ટેરિફ લાદવાનો રસ્તો ખુલી ગયો છે. આ બિલ હવે કાયદો બની ગયું છે. આ સાથે જ હવે ભારત અને ચીન પર ગમેત્યારે 100 ટકા ટેરિફ લાદવામાં આવી શકે છે.
અમેરિકાની સંસદનાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં આ બિલની તરફેણમાં 262 અને વિરોધમાં 159 મત પડયા હતા જ્યારે સેનેટ તેને ઓગસ્ટમાં 86 વિરુદ્ધ11 મતથી પાસ કરી ચૂકી છે. રશિયા પાસેથી સૌથી વધારે ફૂડ ઓઈલ ખરીદનાર ટોચનાં પાંચ દેશોમાં ચીન, ભારત, સ્લોવેકિયા, હંગેરી અને અઝરબૈઝાન સામેલ છે. કેટલા ટકા ટેરિફ લાદવી કે ન લાદવી કે છૂટ આપવી તેનો નિર્ણય હવે ટ્રમ્પે લેવાનો છે. અમેરિકા દ્વારા દર 6 મહિને આ લિસ્ટની સમીક્ષા કરાશે.
અમેરિકા દ્વારા 100 ટકા ટેરિફ લાદવાની સંભાવનાને મામલે ભારતે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે કે તે પોતાનાં દેશનાં હિતો સાથે અને 140 કરોડ ભારતીયોનાં હિત સાથે સમાધાન કરશે નહીં. યુક્રેન - રશિયા યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી ઓછું ક્રૂડ ખરીદતું હતું પણ તે હવે વધીને દરરોજ 16થી 20 લાખ બેરલ સુધી પહોંચી ગયું છે. ભારત તેની જરૂરિયાતનું 40 ટકાથી વધારે ક્રૂડ રશિયા પાસેથી આયાત કરીને સૌથી મોટો ખરીદનાર દેશ બની ગયો છે.
ભારત પાસે અન્ય વિકલ્પ
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરવા અમેરિકાએ ભારતને ચેતવણી આપી છે. રશિયા સિવાય ભારત પાસે ક્રૂડ ઓઈલ ખરીદવાનાં અન્ય વિકલ્પો છે જેમાં ઈરાક, સાઉદી અરેબિયા, યુએઇ, કુવૈત અને કતારનો સમાવેશ થાય છે. આ સિવાય નાઈજિરિયા, અંગોલા, બ્રાઝિલ તેમજ વેનેઝુએલા (અમેરિકા)નો સમાવેશ થાય છે.


