ડર કે આગે જીત હૈ... વિશ્વનો સૌથી લાંબો ઝૂલતો પુલ

Wednesday 09th November 2022 08:09 EST
 
 

લિસ્બનઃ પોર્ટુગલના અરોકા જિયો પાર્કમાં વિશ્વનો સૌથી લાંબો પેડેસ્ટ્રિયન સસ્પેન્શન બ્રિજ છે. આ પુલની મુલાકાતે આવતા લોકોને અગાઉથી ચેતવી દેવામાં આવે છે કે જો ઊંચાઈથી જરા પણ ડર લાગતો હોય તેમણે આ પુલ પર પગલાં પાડવાનું ટાળજો. આ પુલ પર હજી સુધી તો કોઈ દુર્ઘટના બની નથી, પણ દરેક ડગલાં સાથે આ પુલ હાલકડોલક થાય છે ત્યારે તેના પર ચાલનારાની કેવી સ્થિતિ થતી હશે તે સમજી શકાય તેવું છે. આ લટકતો અને ઝૂલતો બ્રિજ પાયવા નદી પર બનાવાયો છે. પુલની બંને બાજુએ ઊંચા ઊંચા પહાડો ફેલાયેલા હોવાથી તેના પર ચાલનારને ઊંડાઇ વધુ લાગે છે.
આ બ્રિજની લંબાઈ 1693 ફૂટ એટલે કે અડધો કિમી છે જ્યારે પહોળાઈ ફક્ત 3.11 ફૂટ છે. જ્યારે નદીથી તેની ઊંચાઈ 577 ફૂટ એટલે કે 176 મીટર છે. આ આંકડાઓને નજરમાં રાખીને કલ્પના કરી શકો છો કે આ પુલ પર ચાલવાનું કેટલું હિંમતભર્યું હશે.
વળી, તેના પર ચાલતા જવા માટે ફક્ત એક લેન છે. એક રીતે તેને હવાઈ પગદંડી પણ કહી શકાય. તેથી જ નબળા હૃદયવાળાએ આ પુલ પર જવાનું સાહસ ટાળવું જોઇએ તેવી ખાસ સુચના અપાય છે. સ્વાભાવિક રીતે દરેક ડગલે ડર લાગતો હોય ડરી ગયેલા લોકો રેલિંગને વધુ ચુસ્ત રીતે પકડીને ચાલે છે, જેના લીધે બ્રિજ વધુ ઝુલે છે.
આ બ્રિજને 127 ઈન્ટરલોકિંગ સાથે જોડવામાં આવ્યો છે. તેને બનાવવા માટે બંને પહાડ પર વી આકારમાં પિલ્લર બનાવાયા છે. દરેક પિલ્લરને સ્ટીલના તાર વડે જોડાયા છે. એક રીતે આ પુલ ઋષિકેશના લક્ષ્મણ ઝુલા જેવો જ છે, પણ તેની ટેકનિકમાં થોડો ફેરફાર છે. આ પુલને બનાવવાનો પ્રારંભ મે 2018માં થયો હતો, અને એપ્રિલ 2021માં તે લોકો માટે ખુલ્લો મૂકાયો છે. આ પુલ પર ચાલીને પોર્ટુગલથી કેનિલાસ અને એલ્વરેગા જઈ શકાય છે. આ પુલનું નિર્માણ ઈન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ એન્ડ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફોર કન્ટ્રક્શન, એનર્જી, એન્વાર્યમેન્ટ એન્ડ સસ્ટેનબિલિટી દ્વારા કરવામાં આવ્યું છે.
આ પુલ લોકોને જિયોપાર્કમાં પગપાળા ફરવામાં બહુ ઉપયોગી થાય છે. આ પહેલાં બેટરીવાળી ગાડી કે સાઈકલથી લાંબુ ચક્કર લગાવવું પડતું હતું. બ્રિજની આસપાસ પાયવા વોકવે છે અને તે આઠ કિમી લાંબો ટ્રેકિંગ માર્ગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter