ડેન્માર્ક વિશ્વમાં સૌથી પ્રામાણિક દેશઃ ભારત ૭૬મા ક્રમે, બ્રિટન ૧૦મા ક્રમે

Thursday 28th January 2016 03:44 EST
 
 

નવી દિલ્હીઃ વૈશ્વિક સંસ્થા ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ (ટીઆઇ) દ્વારા બુધવારે વર્ષ ૨૦૧૫ના પ્રામાણિક દેશોની યાદી જાહેર કરાઇ છે. વિશ્વના ૧૬૮ દેશોને આવરી લેતી આ યાદીમાં ભારત ૭૬મા ક્રમે છે. જ્યારે ડેન્માર્ક સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવીને વિશ્વનો સૌથી પ્રામાણિક દેશ જાહેર થયો છે. યાદીમાં બ્રિટન ૮૧ પોઇન્ટ સાથે ૧૦મા સ્થાને છે.

ભારતમાં છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં અને દિલ્હીમાં સરકારના બદલાવ પાછળનું મુખ્ય પરિબળ ભ્રષ્ટાચાર સામેનો જનાક્રોશ હતો, પરંતુ સરકારો બદલાયાં પછી પણ ભારતના જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર યથાવત્ છે તે આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ (સીપીઆઇ)માં ભારતને ૨૦૧૪ની જેમ જ ૩૮ ગુણ આપવામાં આવ્યાં છે. જેનો અર્થ એ થાય છે કે ભારતમાં ભ્રષ્ટાચાર જૈસે થે છે. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ દ્વારા અપનાવાયેલી સ્કોરિંગ સિસ્ટમ પ્રમાણે જેટલાં પોઇન્ટ તેટલો ભ્રષ્ટાચાર ઓછો.
ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલની યાદીમાં ૨૦૧૫માં ભારતે ૭૬મુ સ્થાન મેળવ્યું છે જ્યારે ૨૦૧૪માં ભારત ૮૫મા ક્રમે હતો. આમ સીધોસાદો અર્થ તો એ થાય કે ભારતમાં ભ્રષ્ટાચાર ઘટયો છે, પરંતુ ના. ૨૦૧૪માં આ યાદીમાં ૧૭૪ દેશોની સામે ૨૦૧૫માં ૧૬૮ દેશો સમાવાયાં છે. ૨૦૧૪માં પણ ભારતને ૩૮ પોઇન્ટ જ મળ્યા હતાં.
જોકે બ્રિટનની હાલતમાં થોડોક સુધારો થયો છે. બ્રિટન ગયા વર્ષે ૭૮ પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે આ વખતે તેણે પોઇન્ટ મેળવ્યા છે.

નોર્થ કોરિયા-સોમાલિયા સૌથી ભ્રષ્ટ

વિશ્વમાં ફરી એક વાર ડેન્માર્કને સૌથી ઓછા ભ્રષ્ટ દેશનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ૯૧ પોઇન્ટ સાથે ડેન્માર્કમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. ત્યારબાદ ૯૦ પોઇન્ટ સાથે ફિનલેન્ડ બીજા સ્થાને અને ૮૯ પોઇન્ટ સાથે સ્વીડન ત્રીજા સ્થાને આ યાદીમાં છે. જ્યારે માત્ર આઠ પોઇન્ટ સાથે નોર્થ કોરિયા અને સોમાલિયા સૌથી ભ્રષ્ટ દેશો છે.
ભારત કરતાં તો ભુતાનમાં બહુ ઓછો ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. ભુતાને આ યાદીમાં ૬૫ પોઇન્ટ સાથે ૨૭મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો બીજી તરફ ૮૩મા ક્રમે ચીન અને ૧૩૯મા સ્થાને રહેલા બાંગ્લાદેશની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. જ્યારે આશ્ચર્યજનક રીતે ગયા વર્ષની સરખામણીમાં પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળે સારો દેખાવ કર્યો છે.

ભારતીય નેતાઓ ભ્રષ્ટાચાર ઘટાડવામાં નિષ્ફળ

ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના સીપીઆઇ અનુસાર એશિયા-પેસિફિકમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઊંચું છે. ભારત અને શ્રીલંકામાં નેતાઓ ભ્રષ્ટાચાર ઘટાડવાના વચનોનું પાલન કરવામાં નિષ્ફળ ગયાં છે. ટીઆઈના ડિરેક્ટર સ્ત્રિરાક પલ્પિતે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં નેતાઓ દ્વારા ભારતમાં ભ્રષ્ટાચાર ઘટાડવાના ઘણા વચનો અપાયાં હતાં. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી અને ૨૦૧૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ ઘણા વચનો અપાયાં, પરંતુ ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો નથી.

પ્રામાણિક દેશોના ગુણ

• મીડિયાને ઉચ્ચ સ્તરની સ્વતંત્રતા
• નાણાં ક્યાંથી આવે છે અને ક્યાં ખર્ચાય છે તે અંગે સંપૂર્ણ પારર્દિશતા
• સત્તામાં રહેલા લોકોમાં અદ્ભુત એકતા
• સંપૂર્ણ સ્વતંત્ર ન્યાયતંત્ર
• ગરીબ-અમીરમાં કોઇ ભેદભાવ નહીં

ટોપ-ટેન સૌથી પ્રામાણિક દેશ
• ડેન્માર્ક - ૯૧ પોઇન્ટ • ફિનલેન્ડ ૯૦ પોઇન્ટ • સ્વીડન ૮૯ પોઇન્ટ • ન્યૂ ઝિલેન્ડ ૮૮ પોઇન્ટ • નેધરલેન્ડ ૮૭ પોઇન્ટ • નોર્વે ૮૭ પોઇન્ટ • સ્વિત્ઝર્લેન્ડ ૮૬ પોઇન્ટ • સિંગાપોર ૮૫ પોઇન્ટ • કેનેડા ૮૩ પોઇન્ટ • જર્મની ૮૧ પોઇન્ટ • લક્ઝમબર્ગ ૮૧ પોઇન્ટ • યુનાઇટેડ કિંગ્ડમ ૮૧ પોઇન્ટ
 
ટોપ-ફાઇવ સૌથી ભ્રષ્ટ દેશ
• સાઉથ સુદાન ૧૬૩ પોઇન્ટ • સુદાન ૧૬૫ પોઇન્ટ • અફઘાનિસ્તાન ૧૬૬ પોઇન્ટ • સોમાલિયા ૧૬૭ પોઇન્ટ • નોર્થ કોરિયા ૧૬૭
ભારત અને પાડોશી
• ભારત ૭૬ પોઇન્ટ • ચીન ૮૩ પોઇન્ટ • પાકિસ્તાન ૧૧૭ • શ્રીલંકા ૮૩ પોઇન્ટ • બાંગ્લાદેશ ૧૩૯ પોઇન્ટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter