ડેન્માર્કના પેડરસનનું ‘એકલા ચાલો રે...’ અભિયાન

એક પણ વિમાન પ્રવાસ વગર 10 વર્ષમાં 195થી વધુ દેશ ફરી વળ્યા

Wednesday 01st July 2026 07:09 EDT
 
 

કોપનહેગનઃ ડેન્માર્કના વતની મોર્બન પેડરસને એક એવો અનોખો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે જે આ દુનિયામાં ખૂબ જ ઓછા લોકો કરી શક્યા છે. તેમણે એક પણ વખત વિમાન પ્રવાસ એટલે કે હવાઈ મુસાફરી કર્યા વગર જ પૃથ્વીના લગભગ તમામ દેશોની સફર પૂરી કરી છે. તેમની આ રોમાંચક અને પડકારોથી ભરેલી યાત્રા સળંગ 10 વર્ષ સુધી ચાલી હતી.

પેડરસન તેમની આ ઐતિહાસિક સફર દરમિયાન ટ્રેન, બસ, કાર, દરિયાઈ જહાજ અને ઘણી જગ્યાએ પગપાળા ચાલીને 195થી વધુ દેશમાં પહોંચ્યા હતા. વર્ષ 2013માં શરૂ કરેલી આ ઐતિહાસિક સફર તેમણે 2023માં માલદીવ્સ પહોંચીને આ લાંબી યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે પોતાના અનુભવોને ‘વન્સ અપોન એ સાગા’ નામથી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેને દુનિયાભરના લાખો લોકોએ પસંદ કર્યા છે.
પેડરસના જણાવ્યા મુજબ, આ પ્રવાસ પાછળ રોજનો ખર્ચ લગભગ 20 ડોલર (અંદાજે 1600 રૂપિયા) થતો હતો, જે તેમણે ફંડિંગ અને સ્પોન્સરશિપ દ્વારા મેળવ્યો હતો. અલગ-અલગ દેશોના લોકો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મીડિયામાં ગમે તે બતાવવામાં આવતું હોય, પરંતુ વાસ્તવિકતામાં દુનિયાભરના લોકો ખૂબ જ દયાળુ અને મદદગાર છે.

એક દસકા લાંબો પડકારજનક પ્રવાસ
મોર્બન પેડરસને પોતાની આ અનોખી અને ઐતિહાસિક યાત્રા માટે ત્રણ કડક નિયમો બનાવ્યા હતા. એક તો, તેઓ કોઈ પણ સંજોગોમાં વિમાન પ્રવાસ કરશે નહીં. બીજું, દરેક દેશમાં ઓછામાં ઓછા 24 કલાકનું રોકાણ તો કરશે જ અને ત્રીજું, જ્યાં સુધી છેલ્લો દેશ બાકી હશે ત્યાં સુધી તેઓ પોતાના ઘરે પાછા પણ ફરશે નહીં. 10 વર્ષની આ સફર દરમિયાન પેન્ડરસનને વિઝાની સમસ્યાથી લઇને, રાજકીય અસ્થિરતા, સરહદી નિયમો અને કોવિડ-19 મહામારી જેવા નાના-મોટા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જોકે તેઓ હિંમત હાર્યા નહોતા. કોવિડ મહામારી દરમિયાન તો તેઓ લગભગ બે વર્ષ સુધી હોંગકોંગમાં ફસાઈ ગયા હતા, જેના કારણે તેમની આ યાત્રા વધુ લાંબી થઈ ગઈ હતી. હાલમાં તેઓ ડેનમાર્ક પરત ફરીને લેખક અને મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter