કોપનહેગનઃ ડેન્માર્કે 401 વર્ષ જૂની પત્રવ્યવહાર પરંપરાને અલવિદા કરી દીધું છે. દેશની ટપાલ સેવા ‘પોસ્ટનોર્ડ’ દ્વારા સ્થાનિક પત્રોનું વિતરણ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. આ સાથે જ ડેનમાર્ક વિશ્વનો પ્રથમ એવો દેશ બની ગયો છે કે, જ્યાં પત્રો હવે જરૂરી કે ફાયદાકારક ગણાતા ન હોવાથી ટપાલસેવા બંધ કરી દેવામાં આવી છે.
તમે છેલ્લે ક્યારે પત્ર લખ્યો હતો? સંભવ છે કે ઘણો લાં...બો સમય વીતી ગયો હશે. આજના આધુનિક સમયમાં ઈ-મેલ, મેસેજ અને ડીએમે જૂના પત્રોની જગ્યા લઈ લીધી છે. ડેન્માર્કમાં હવે પ્રખ્યાત રેડ લેટર બોક્સમાં પત્રો નાખવા શક્ય નથી કારણ કે દેશ સંપૂર્ણ રીતે ડિજિટલ યુગમાં પ્રવેશ કરી ચૂક્યો છે. છેલ્લા 25 વર્ષોમાં ડેન્માર્કમાં મોકલવામાં આવતા પત્રોની સંખ્યામાં 90 ટકા જેટલો ઘટાડો થયો હતો. વર્ષ 2000માં પોસ્ટનોર્ડે લગભગ 1.5 બિલિયન પત્રો મોકલ્યા હતા. જ્યારે ગત વર્ષે તેની સંખ્યા ઘટીને માત્ર 11 કરોડ થઈ ગઈ હતી.
પોસ્ટનોર્ડના પ્રેસ પ્રમુખ ઈસાબેલા બેક જોર્ગેસનના કહેવા પ્રમાણે છેલ્લા 20 વર્ષોમાં પત્રોની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે. હવે મોટાભાગનો સંવાદ ઈલેક્ટ્રોનિક માધ્યમથી થાય છે. ડેન્માર્ક વિશ્વના સૌથી ડિજિટલાઈઝ દેશોમાંથી એક છે. અહીં લોકો સરકારી કામથી લઈને તમામ સંવાદ ઓનલાઈન કરે છે. આ જ કારણ છે કે હવે પત્રો લોપ થઈ ગયા છે.
પોસ્ટનોર્ડે ગયા જૂનથી જ દેશભરમાં ફેલાયેલા 1500 લાલ લેટર બોક્સોને હટાવવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં 1000 બોક્સ ચેરિટી માટે વેચવામાં આવ્યા હતા. દરેક બોક્સની કિંમત લગભગ 472 ડોલર હતી. આટલી ઊંચી કિંમત છતાં તમામ લેટર બોક્સ માત્ર કલાકમાં વેચાઈ ગયા હતા. આ લેટર બોક્સને ખરીદવામાં લાખો લોકોએ ઉત્સાહ દર્શાવીને તેને ખરીદવા પડાપડી કરી હતી.


