ડોકલામ મુદ્દે ભારતના પાંચ સિદ્ધાંતો પર કામ કરવા ચીન સંમત

Wednesday 06th September 2017 10:08 EDT
 
 

શિયામેનઃ ૭૨ દિવસ લાંબા ડોકલામ સરહદી વિવાદ બાદ મંગળવારે પહેલીવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. ભારતની કૂટનીતિક કુનેહને પગલે ઝૂકેલા ચીને ૬૩ વર્ષ બાદ ભારત સાથેના સંબંધો પંચશીલના સિદ્ધાંતોના આધારે આગળ ધપાવવા સંમતિ દર્શાવી છે. જિનપિંગે જણાવ્યું હતું કે, ચીન પંચશીલ કરારમાંથી માર્ગદર્શન લઇ ભારત સાથે કામ કરવા તૈયાર છે. જિનપિંગે ભારત સાથેના સંબંધો સાચા ટ્રેક પર લાવવાનું આહવાન કરતાં જણાવ્યું હતું કે, બંને દેશે તંદુરસ્ત અને સ્થિર દ્વિપક્ષીય સંબંધો હાંસલ કરવા જોઇએ. ચીન અને ભારત મુખ્ય પાડોશી અને દુનિયાના સૌથી મોટા વિકાસશીલ અને ઊભરતા દેશ છે. બેઠકમાં વડા પ્રધાન મોદીએ જિનપિંગને જણાવ્યું હતું કે, હું ‘બ્રિક્સ’ની સફળતા માટે તમને અભિનંદન આપું છું.
‘બ્રિક્સ’ સંમેલન બાદ મંગળવારે સવારે ૧૦ કલાકે મોદી અને જિનપિંગ વચ્ચે એક કલાક લાંબી દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. બેઠક બાદ ભારતના વિદેશ સચિવ જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશ ડોકલામ જેવા વિવાદો ભવિષ્યમાં ન સર્જાય તે માટે મોદી અને જિનપિંગ બંને દેશના સંરક્ષણ અને સુરક્ષા અધિકારીઓ વચ્ચે ગાઢ સંપર્ક જાળવવા સંમત થયાં હતાં. બંને નેતાએ સ્વીકાર્યું હતું કે, સારા સંબંધ ભારત અને ચીનના હિતમાં છે. બંને દેશના સંબંધો આગળ વધે તે માટે સરહદ પર શાંતિ જરૂરી છે. બંને નેતા સેનાઓ વચ્ચે પરસ્પર તાલમેળ વધારવા રાજી થયાં હતાં.
આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે સરહદી વિસ્તારોમાં શાંતિ સ્થાપવા, પરસ્પર વિશ્વાસ વધારવા, મતભેદો દૂર કરવા અને મતભેદોને સંઘર્ષમાં તબદીલ ન થવા દેવા પર ચર્ચા થઇ હતી. કઝાખસ્તાનના અસ્તાના ખાતે થયેલી સમજૂતી અનુસાર મોદી અને જિનપિંગ મતભેદોને સંઘર્ષ કે વિવાદમાં તબદીલ ન થવા દેવા પણ સંમત થયાં હતાં.

શું છે પંચશીલ કરાર અને તેના પાંચ સિદ્ધાંત?

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ચીનના પ્રથમ પ્રીમિયર ઝોઉ એનલાઇ વચ્ચે ૨૯ ઓક્ટોબર ૧૯૫૪ના રોજ પંચશીલ કરાર થયો હતો. બંને દેશ પંચશીલના પાંચ સિદ્ધાંતના આધારે સહકાર કરવા સંમત થયાં હતાં.
• એકબીજાની પ્રાદેશિક સ્વતંત્રતા અને સ્વાયતા પ્રત્યે પરસ્પર સન્માન • પરસ્પર બિનઆક્રમકતાનો અભિગમ • એકબીજાની આંતરિક બાબતોમાં માથું નહીં મારવાની પરસ્પર સમજૂતી • પરસ્પરના લાભ માટે સમાનતા અને સહકારની ભાવના • શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ભાવના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter