કુઆલાલમ્પુરઃ નવી દિલ્હીની બ્યુટી પાર્લર ચલાવતી ૪૧ વર્ષની એક મહિલાને ૧.૬ કિલો ડ્રગ્સની દાણચોરીના કેસમાં મલેશિયાની હાઇ કોર્ટે ફાંસીની સજા ૨૮મીએ ફટકારી હતી. સાત, ઓકટોબર ૨૦૧૩ના રોજ સંગીતા શર્મા બ્રહ્માચારીમાયુનને પેનાંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૬૩૭.૧ ગ્રામ મેથામફેટામાઇન સાથે પકડી પાડવામાં આવી હતી. તેની સામે ડેન્જરસ ડ્રગ્સ ૧૯૫૨ એક્ટ હેઠળ કેસ કરાયો હતો.
પેનાંગ રાજ્યમાં જ્યોર્જ ટાઉનમાં કોર્ટના એક દુભાષીયા દ્વારા જ્યારે આ ચુકાદો વાંચી સંભળાવવામાં આવ્યો હતો ત્યારે સંગીતા એકદમ શુન્ય મસ્તકે દેખાતી હતી અને પછી ભાંગી પડી હતી. જ્યુડિશિયલ કમિશનર આઝમી આરિફીને ચુકાદો આપ્યો હતો કે ફરીયાદ પક્ષ પોતાના કેસને પુરવાર સરવામાં સફળ રહ્યું હતું જેમાં શંકાના સ્થાન નથી. તેમણે કહ્યું હતું કે એક પૂર્વ પોલીસ અધિકારીની સાળી એવી સંગીતા શર્માને પોતાની પાસે જે દવા છે તેની જાણકારી હતી જ અને એટલા માટે જ એ નિર્દોષ કેરીયર છે એવું કહી ના શકાય.
સંગીતા શર્મા નવી દિલ્હીમાં એક બ્યુટી પાર્લર ચલાવતી હતી. આઝમીએ કહ્યું હતું કે સંગીતાએ કોર્ટમાં એવું કહ્યું હતું કે એક પ્રિન્સ નામના એક નાઇજીરિયને પ્રોત્સાહિત કરતાં મલેશિયામાં વેપાર કરવા આવી હતી. તેનો ઇરાદો ભારતમાંથી કપડાં લાવીને વેચવાનો હતો. પ્રિન્સે સંગીતાને એવી સૂચના આપી હતી કે એરપોર્ટ પર તેનો ભાઇ અને સાળી આવશે તો કપડાંથી ભરેલી આ સુટકેસ તેમને આપી દે જે, એમ એક દૈનિકે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું.